પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦: શોભના
 

સામે નાકલીટીઓ પણ ખેંચી અને એક મહોત્સવમાં પ્રમુખસ્થાન લેવાની આર્જવભરી વિનતિનો આગેવાનોએ વિજયરાય પાસે સ્વીકાર કરાવ્યો એટલે કુસંપના ગેરફાયદા સમજી ચૂકેલા અને પક્ષ પાડવાની નીતિ વિરુદ્ધ ખૂબ બોલી ચૂકેલા વિજયરાયે દેશની દાઝ હૈડે ધરી હડતાલમાંથી અંગત રસ લેવાનું ઓછું કરી નાખ્યું હતું. તેમણે પૈસા આપવામાં પાછાં પગલાં કરવા માંડ્યાં હતાં અને સમાજવાદી પુત્ર ભાસ્કરને હડતાલિયાઓમાં વધતી જતી હિંસક વૃત્તિનું સૂચન કરી કેમ ખસી જવું તેની ચેતવણી પણ આપી દીધી હતી. પરાશર આ બધી વિગતોથી અજાણ્યો હતો, અને ભાસ્કરના મોજી બિનજવાબદાર વલણને દોષ દેતો હતો. સરઘસમાં તે છેલ્લે દિવસે ન જોડાયો એની પરાશરને રીસ પણ ચડી હતી. પરંતુ હિંસાનો વિજય થયો અને પરાશરે ન ધારેલી રીતે હડતાલનો અંત પણ આવી ગયો. પરિણામમાં ઘવાયલા મજૂરો, મૃત થયેલા બે શ્રમજીવીઓનાં નિરાધાર બનેલાં કુટુંબ, પરાશરની તપાસ અને સમાજ ઉપર ચડેલો ઝેરનો એક વધારે પુટ એટલું જ અસ્તિત્વમાં રહ્યું.

પરાશરે પત્રમાં કામ પણ શરૂ કરી દીધું હતું. ચારપાંચ વર્ષથી ઘર છોડી ગયેલા પુત્રના ખૂનનો સંભવ વાંચી પરાશરના કુટુંબે તારથી તેની ખબર પુછાવી હતી - જોકે મમતે ચઢેલું કુટુંબ પુત્રની ખબર પૂછવા જેટલું પણ અત્યાર સુધી કુમળું બની શક્યું ન હતું. ભાસ્કરે મજૂરપક્ષ પ્રત્યેનો રસ ઓછો કરી નાખ્યો, અને પરાશરની મૈત્રી જોકે તેણે ચાલુ રાખી છતાં તે મોટે ભાગે શોભના કે રંભા - ઘણુંખરું રંભાને લઈ કારમાં જ વખત વિતાવતો હતો.

પરાશરને પચાસ રૂપિયા ખૂંચ્યા કરતા હતા. તેણે રંભાને પૂછયું. ભાસ્કરને પૂછ્યું, કૃષ્ણકાન્તને પૂછ્યું; પરંતુ કોઈએ તેને પચાસ રૂપિયા મોકલ્યા ન હતા - જોકે સહુએ પચાસને બદલે સો રૂપિયા આપવાની તીવ્ર ઇચ્છા દર્શાવી. પરાશરને રૂપિયાની જરૂર ન હતી. અંગત ઉપયોગ માટે તો નહિ જ. ત્રીસ રૂપિયામાં પૂરું ન થાય તો તે ભૂખ્યો રહેવાનું પસંદ કરતો હતો; પણ નિશ્ચિત કરેલી રકમ કરતાં એક પાઈ પણ વધારે ખર્ચ કરતો નહિ.

ઑફિસમાં રવિવારની રજા હતી - રવિવાર એટલે સંપૂર્ણ રજા નહિ. થોડું કામ કરીને અડધો દિવસ છુટ્ટા ફરવાની સગવડ એ દિવસે મળી શકતી હતી. પરાશરનાં લખાણો પણ હજી ડગમગતાં આવતાં હતાં - એના લખાણમાં કૈંક અસ્થિરતાનો પ્રવેશ થયો હતો. એટલે છેવટની સુધારણા પામેલો અગ્રલેખ લખી રહી તે બહાર નીકળ્યો.