પૃષ્ઠ:Shobhana.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮: શોભના
 

બાલનોકર સોમાની ગુલામીની ઝાંખી થતાં સર્વસ્વ છોડી જવાની ભાવના પરાશરના હૃદયમાં કેમ જાગી ઊઠી ? મુસ્લિમ ધર્મે સુખી બનાવેલો સોમો શા માટે હિંદુ પરાશરને ઉગારી રહ્યો હતો ? અને ત્યક્તા બનાવી રહેલ પતિને એક ટંક હાથે બનાવેલી વસ્તુ જમાડવાની તીવ્ર ઈચ્છા ધારણ કરતી શોભનાનું હૃદય કયી માનવતાથી ઊભરાઈ રહ્યું હતું ?

આ બધા ટુકડા ભેગા કરી એના ઉપર સંબંધ, વ્યવહાર અને સમાજ રચવાં ? કે નેતાઓના દંભ અને સત્તાલોભ, મજદૂરોનું અજ્ઞાન, હિંદુમુસ્લિમ ધર્માન્ધતા અને યુવકયુકતીઓની લાલસા પર રચના કરવી?

માનવસુધારાના પાયામાં શું રહેલું છે ! પ્રેમ અને ત્યાગ : વ્યક્તિગત તેમ સામાજિક. સહુ કોઈ એ કબૂલ રાખશે જ. સહુ કોઈ એ માર્ગે જવા મથશે; પણ એ કેમ બનતું નથી ? જીવનના પાયામાંથી વેર અને ઈર્ષા ખસ્યાં નથી માટે. ભાસ્કરને માટે તેને પ્રેમ હતો ? પ્રેમ હોત તો એની જીભમાં કડવાશ ન હોત ! એના હૃદયમાં ભાસ્કરનાં કૃત્યો માટે તિરસ્કાર ન હોત ! મિલમાલિકો પ્રત્યે તેને શું ઈર્ષા ન હતી ? મજદૂરોના હૃદયમાં સ્પષ્ટ છૂપી રહેલી ઈર્ષાને પરાશરે પોતાની બનાવી હતી. વર્ગવિહીન સમાજમાં પણ કારખાનાં તો હશે જ. કોઈને યંત્ર ચલાવવું પડશે, કોઈને કોલસા ભઠ્ઠીમાં નાખવા પડશે, કોઈને ભયંકર પટાઓની ફેરવાફેરવી પણ કરવી જ પડશે. મજદૂરકિસાનોને વેર અને ઈર્ષાથી ઉગ્ર બનાવવાથી પરિણામ વહેલું આવશે ? કે પ્રેમ અને ત્યાગના માર્ગ ઉપર તેમને દોરી જવાથી વધારે ઉતાવળું પરિણામ આવશે ? હડતાલ જરૂર પાડવી; પરંતુ એ હડતાલની સચ્ચાઈ વિષે મિલમાલિકોની પણ ખાતરી કેમ ન થાય ?

પરંતુ અન્યાય અને સ્વાર્થથી ઘડાયલી મૂડીવાદી સંસ્થાઓ પ્રેમ અને ત્યાગને કદી ઓળખે ખરી ?

જે વ્યક્તિ ઓળખે તે સંસ્થા કેમ ન ઓળખે ? આખરે સંસ્થા પણ વ્યક્તિગત અણુઓની બનેલી છે ને ? અણુ બદલાય તો ઘડતરમાં ફેર કેમ ન પડે ? સંસ્થા બદલવાનું મુશ્કેલ શા માટે બને છે ? અણુમાં વિશુદ્ધિ નથી હોતી માટે. શું સહેલું ? અણુ ફેરવીને સંસ્થા બદલવી એ કે સંસ્થાને ભાંગી તોડી અણુ અણુ છૂટા પાડી એ અણુઓને પોતાની મેળે નવીન ગોઠવણી કરવાની મહેનત આપવી એ ?

વસ્તુ ભાંગવી હોય કે બદલવી હોય તોપણ કયો માર્ગ અનુકૂળ ? વસ્તુને ઠોકર મારવી કે સંભાળપૂર્વક, માનપૂર્વક તોડવી ?

આવા વિચારવમળમાં ગૂંચવાઈ રહેલા પરાશરથી ઉગ્રતાભર્યું કાર્ય થઈ શકયું ન હતું. અલબત્ત, તેની નિરાશા કાયમ રહી ન હતી. છતાં