પૃષ્ઠ:Shobhana.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૧૯
 

સામે પડેલાં પુસ્તકોએ તેનું ધ્યાન ખેંચ્યું એટલે તેણે પુરુષોની મુખસરખામણી મનમાંથી ખસેડી નાખી અને પુસ્તકોમાંથી એક પસંદ કરી ઉઘાડી તે ખુરશી ઉપર બેસી ગઈ.

એક કલાક સુધી એકાગ્રતાપૂર્વક તેણે પુસ્તક વાંચ્યા કર્યું. તેની એકાગ્રતા કોઈ યોગીને શોભે એવી હતી. આસપાસનાં મકાનો બંધ થયાં. પ્રકાશ બંધ થયો; વાહનોની અવરજવર ઓછી બની ગઈ, અને તેની પાસેના જ ઓરડામાં પાણીનો પ્યાલો પડી ગયો. પરંતુ શોભનાને તો કશાનો ખ્યાલ નહોતો. પુસ્તક વાંચવાની શરૂઆત કર્યા પછી તેને પુસ્તકના વિષય સિવાય આખી સૃષ્ટિની વિસ્મૃતિ થઈ હતી. પરંતુ જોડેના મકાનની એક ઘડિયાળે શોભનાની એકાગ્રતાને હલાવી એકસરખી નિયમિતતાથી વાગતા ધીમા કર્કશ લાગતા અગિયાર ટકોરાએ શોભનાને બાહ્ય સૃષ્ટિનું ભાન કરાવ્યું. તેણે ચોપડી જેારથી બંધ કરી હતી ત્યાં મૂકી.

'હજી સૂતી નથી, બહેન ?' પાસેના ઓરડામાંથી જયાગૌરીનો સ્વર સંભળાયો.

'ના, જાગું છું.' શોભનાએ જવાબ આપ્યો.

'તો હવે સૂઈ જા અગિયાર વાગ્યા.'

'થોડું લખવાનું બાકી છે, હું હમણાં જ સૂઈ જાઉં છું.'

'આ ભણવાનુંયે ભઈ તોબા છે !' જયાગૌરી બોલ્યાં, અને તેમના સૂરની આસપાસ શાંતિ વીંટાઈ વળી. શોભનાને લાગ્યું કે જયાગૌરીનો અવાજ તેમના સૂવાના નિશ્ચિત સ્થળ ઉપરથી આવતો ન હતો.

તેણે કાંઈ લખવાનું શરૂ કર્યું. થોડી થોડી વારે જુદાં જુદાં પુસ્તકો ઉઘાડી તેમાંથી નોંધ કરી લેતી શોભનાનો બીજો કલાક પણ એમ જ નીકળી ગયો. અંતે તેણે લખવાનું બંધ કરી દીધું અને ખુરશી ઉપરથી ઊઠી ઊભી થઈ. અકસ્માત - અગર વિચારપૂર્વક તેની દૃષ્ટિ દેખાવડા નરને બદલે ગાંધી અને ટાગોરની છબી તરફ વળી. કદરૂપા છતાં બાલક સમું ખુલ્લું હાસ્ય કરતાં ગાંધી અને તત્ત્વચિંતનમાં ઊંડા ઊતરેલા તેજસ્વી આંખોથી દીપતા ગંભીર સૌંદર્યના ભરેલા ટાગોર તરફ તે થોડી ક્ષણ જોઈ રહી.

'કાલ માર્ક્સ જેવી તીક્ષ્ણ ઉગ્રતા કોઈનામાંયે નહિ.' શોભનાને વિચાર આવ્યો. તેના પિતાને માર્ક્સવાદ બિલકુલ પસંદ ન હતો એટલે તેમનું મન મનાવવાના ઉપચાર તરીકે શોભનાએ ખુલી રીતે તેની છબી પોતાની ઓરડીમાં લટકાવી ન હતી: કોકે પિતાના ખંડમાં તો તેણે માર્ક્સ, એન્જલ્સ અને લેનીન એ ત્રણ મહાક્રાન્તિકારીઓની પ્રતિકૃતિને આગળ