પૃષ્ઠ:Shobhana.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી:૨૧
 

રહ્યા કરતો હતો : ગરીબ અને ધનિકનો ભેદ ટળી ગયા પછી ? સ્ત્રીનું શોષણ કરતો પુરુષજાત વિગ્રહહીન સમાજમાં પણ સ્ત્રીનું શોષણ નહિ કરેં એની ખાતરી શી ? કદાચ ગરીબ અને ધનિકના વર્ગ કરતાં સ્ત્રી અને પુરુષના વર્ગ વધારે સાચા તો નહિ હોય ? અને એ જ વર્ગોનો - સ્ત્રીપુરુષનો વિગ્રહ એ જ સાચો ઇતિહાસ તો નહિ હોય ?

એમ હોય તોય શું ? ગરીબ અને ધનિકના વિગ્રહને અંતે ઐતિહાસિક બળોથી પ્રાપ્ત થનાર સામ્ય સમાજવ્યવસ્થામાં પુરુષ અને સ્ત્રીના વર્ગો આર્થિક શોષણના સ્વરૂપ ધારણ કરશે તો તે યુગની સ્ત્રી, યંત્રવાદ અને વિજ્ઞાનમાં પણ પુરુષોની બરાબરી કરી, પુરુષોને અંકુશમાં રાખવા જેટલી સત્તા મેળવી જ રહેશે; પરંતુ તેને માટેય આજથી જ તૈયારી કરવી જોઈએ.

વર્ગવિગ્રહની પોતે વિકસાવેલી આખી માન્યતા શોભના કોઈને કહેતી નહિ, છતાં તે જગતના અગ્રણી નમૂનારૂપ પુરુષોનાં જીવન અને કાર્યો પ્રત્યે એક અભ્યાસીની દૃષ્ટિ-વિવેચકની દૃષ્ટિ રાખ્યા કરતી હતી. કૉલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી આર્થિક સ્વાતંત્ર્ય મેળવીને તે અનેક કાર્યો કરવાના મનોરથ સેવતી હતી. ટાગોર, ગાંધી, માર્ક્સ અને હિટલર સરખા પુરુષ-નમૂનાઓનો તે વારંવાર વિચાર કરતી હતી. માર્ક્સના દેખાવનું બરછટપણું તેને ટાગોરના અમીરી દેખાવમાં અગર ગાંધીની શ્રમજીવી કુરૂપતામાં દેખાયું નહિ.

'ત્રણ વચ્ચે શો ફેર ?' તેણે દીવો બૂઝવતાં મનમાં જ પ્રશ્ન પૂછ્યો. 'દેવ જાણે !' અંધકારમાં પોતાના ખાટલા ઉપર જઈ સૂતાં તેના મને જવાબ આપ્યો.

શોભનાને સૂવું ગમ્યું. દેહને આરામ ગમે છે, અને થાક પછીનો આરામ વધારે સુખમય હોય છે. તેણે હાથપગ લંબાવ્યા. તકિયાને વધારે અનુકૂળ રીતે ગોઠવ્યો અને એક ઝીણું વસ્ત્ર ઓઢી લીધું. એ ઓઢેલા વસ્ત્ર નીચે લંબાયલો શોભનાનો દેહ શોભનાને અત્યંત જીવંત લાગ્યો. તેનું અંગેઅંગ જીવી રહ્યું હોય, સ્થિરતાથી - પ્રફુલ્લતાથી ધડકી રહ્યું હોય એમ તેને ભાસ થયો. માથામાં એક પિન રહી ગઈ હતી તે સૂતે સૂતે જ દૂર કરી. તેમ કરતાં તેને પોતાના વાળની સુંવાળાશ સમજાઈ. તેની આંખો ઉપર હળવો હળવો ભાર આવવા લાગ્યો - જાણે વિની તારીકા તેની આંખો મીંચી દેતી ન હોય !