પૃષ્ઠ:Shobhana.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાંપડ:૯૦
 

રેડ્યું. તે એક હિંદુ છોકરી ઉપર પડ્યું. એટલે હિંદુઓ ઉશ્કેરાયા અને થયું તોફાન !' બુદ્ધિનું પ્રદર્શન કરી રહેલા હિંદુ-મુસ્લિમ ઝઘડા પરદેશીઓની મશકરીનો વિષય ન બને તો બીજું શું થાય ?

'પણ એમાં મર્યા કોણ વધારે ? હિંદુ કે મુસલમાન ?' એક હિંદુ ધર્માભિમાનીએ કહ્યું. તેની જાતને કશું જ જોખમ ન હતું. તેણે એક હિંદુને બચાવવાનો કે એક મુસલમાનને મારવાનો પ્રયત્ન કર્યો ન હતો. છતાં તેના હિંદુત્વનું અભિમાન મુસલમાનો વધારે મર્યા હોય એમ સાંભળવા ઉત્કંઠા સેવી રહ્યું હતું.

‘આ વખતે પોલીસ બરાબર વચ્ચે ન પડી હોત તો મુસલમાનોનો કૂચો નીકળી જાત. હુલ્લડ વખતે બારણું બંધ કરી બેઠેલા એક હિંદુ વીરે વીરત્વ દાખવ્યું.

‘આ ભાઈને વાગ્યું લાગે છે. હુલ્લડોમાં જ વાગ્યું કે શું ?' પરાશરને એક ઉત્સાહી જમનારાએ પૂછ્યું.

‘ના.’ પરાશરે ટૂંકમાં પતાવ્યું. મુસ્લિમોને વધારે પ્રમાણમાં વાગે એમાં આનંદ લેનાર, ખરીખોટી ખબરોમાંથી ગુપ્ત ઝેર કેળવનાર આવા અનેક હિંદુઓ ગઈ કાલે હુલ્લડ અટકાવવાને બદલે બાયલા બની બંધબારણે બેસી રહ્યા હતા, એ તિરસ્કારભર્યું સત્ય પરાશર જાણતો હતો. મુસ્લિમ લત્તાઓમાં પણ આવી ને આવી જ વાત હિંદુઓ વિરુદ્ધ ચાલ્યા કરતી હોવી જોઈએ. એની પરાશરને ખબર હતી.

ધર્મને પાટિયે બેસી તરનાર આ માનવતા માનવીને તારશે કે ડુબાડશે ? ઝઘડામાં, મારામારીમાં, કાપાકાપીમાં પરિણામ પામતો ધર્મ અધર્મ નથી શું ? જગતનાં વેરઝેરમાં ઉમેરો કરી રહેલી ધર્મભાવના તોડવાને પાત્ર નથી ? પછી તેનું નામ હિંદ ધર્મ રાખો કે મુસ્લિમ ! દુષ્ટમાં દુષ્ટ હૃદયભાવો પોષાય, ક્રૂરમાં ક્રૂર કાર્યો કરવાની પ્રેરણા જાગે, નીચમાં નીચ યુક્તિઓ અને યોજનાઓ રચાય. અને માણસાઈનો અંશ પણ ઊડી જાય એવી સ્થિતિ કોઈ પણ ધર્મભાવનાથી ઉત્પન્ન થતી હોય તો પહેલી તકે એ અધર્મી ધર્મનાં મૂળ ઉખાડી નાખવાં જોઈએ. યુરોપનો ખ્રિસ્તી ધર્મ, હિંદના હિંદુ-મુસ્લિમ ધર્મ, અને જપાનનો બૌદ્ધ ધર્મ જિવાડવાને પાત્ર છે ખરા ?

પરંતુ ધર્મની જડ ઉખાડી નાખવાનો પ્રયત્ન કરતા પહેલાં વીશીવાળાને પૈસા ચૂકવવાનો પ્રશ્ન તત્કાળ વધારે મહત્ત્વનો બની ગયો.

‘આજે પૈસા લાવવાના રહી ગયા.' પરાશરે વીશીના માલિકને જતે જતે કહ્યું. વીશીનો માલિક એક ક્ષણભર પરાશર સામે તાકીને જોઈ રહ્યો.