પૃષ્ઠ:Shubhashito - Gujarati.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


• ‘મારું, તારું’ કરે તેને લોકો કહે, ‘મારું, મારું.’
‘તારું, મારું’ કહે તેને લોકો કહે, ‘તારું, તારું.’

• માર્ગને મંઝિલ અગર જો હોય તો તે ત્યાં જ છે,
ચાલનારાનાં ચરણ ને પંખીઓના પગ સુધી.

• માહ મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત,
સમય વિનાનું બોલવું, એ ત્રણ સરખી રીત.

• મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય

• મુખ મોરો માથે મણિ, ઝેર તજ્યું નહિ નાગ,
સંગત છતાં સુધર્યો નહિ, મોટું તેનું અભાગ.

• મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે તો જ ચમક પરખાય.

• મૂરખને મોભો નહિ, કાસદને નહિ થાક,
નિંદકને લજ્જા નહિ, નકટાને નહિ નાક.

• મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ