પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સવા વર્ષમાં તો વ્યાકરણ સાવ તૈયાર !

મહારાજ સિદ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.

દેશેદેશ કંકોતરીઓ મોક્લવામાં આવી. કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને તેડાવવામાં આવ્યા. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો.

છેલ્લે દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી.

પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એ પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. એ પછી ખુદ મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુહેમચંદ્ર ચાલતા નજરે પડતા.

મહારાજના પટહસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો, અને વ્યાકરણને એના પર મૂક્વામાં આવ્યું હતું. સૂરજ-ચાંદાના જેવી બે પટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી.

જ્ઞાનપૂજાનો ઉત્સવ એ દિવસે અદભૂત રીતે ઊજવાયો.

વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર આચાર્ય હેમચંદ્રની સંયુક્ત યાદ જાળવવા 'સિદ્ધ-હેમ' રાખવામાં આવ્યું. મહારાજાએ પોતાના દરબારમાં ત્રણસો લહિયા રોકી વ્યાકરણની નકલો કરાવવા માંડી ને દેશોદેશ મોકલવા માંડી.

ઠેર-ઠેર આ વ્યાકરણ ચાલુ થઈ ગયું !

કાકલ કાયસ્થ નામના મહાન વૈયાકરણીને આના ઉપરી તરીકે નીમવામાં આવ્યો. ગામેગામ જ્યાં વિદ્યાલય ન હોય ત્યાં વિદ્યાલય સ્થાપવાનો હુકમ છૂટ્યો.

બંગાળ, મહારાષ્ટ્ર અને માળવા સુધી આ વ્યાકરણની નકલો ગઈ. વિદ્યાલયોમાં પરીક્ષા વખતે ખુદ મહારાજ હાજરી આપવા લાગ્યા. શિષ્યવૃત્તિઓ અને ઇનામોમાં તો કદી પાછી પાની ન કરતા.

૧૦૮ ᠅ સિદ્ધરાજ જયસિંહ