પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સ્ત્રી તો આંખ બંધ રાખી, મંત્ર ભણતી બોલી : 'જેવાં તમારાં લક્ષણ એવું થતું હશે !'

એવામાં પતિ જે હાથે ખાતો હતો, એ હાથ બૂંઠા થઈ ગયા, જાડા બની ગયા, વચ્ચમાં ફાટ પડી ગઈ. હવે તો એ હાથ ઊંચા રાખવામાં મુક્લી પડવા લાગી.

'અરે ! આ શું? મારા બે હાથ જતા રહ્યા અને બેના ચાર પગ થઈ ગયા ! સુલક્ષણા ! મને કોઈ વૈદ પાસે લઈ જા !'

પડખેના કારણે વૈદ રહેતો હતો.

પેલી સ્ત્રી આંખ બંધ રાખી, મંત્ર ભણતી વૈદને ત્યાં પતિને લઈ ગઈ. પુરુષ ચાર પગે ચાલતો ગયો. વૈદે એને જોતાં જ કહ્યું,

'અરે બાઈ ! આ બળદને કેમ લાવે છે ? હું ઢોરવૈદ નથી.'

બાઈએ આવું ધાર્યું નહોતું. એણે આંખ ઉઘાડીને જોયું તો પોતાનો પતિ બળદ ! એને જાદુગર યાદ આવ્યો. અરે, મેં તો દોરી બાંધીને દોરી શકય એનો અર્થ પોતાનું કહ્યું કરે તેવો વર માગ્યો હતો.

પણ હવે શું કરે ?

લોકોએ સ્ત્રીનો તિરસ્કાર કરવા માંડ્યો.

શોક્યે પતિને કાઢી મૂક્યો.

બાઈ બળદને લઈ જંગલમાં ચાલી ગઈ. ત્યાં લીલી ધરો ને મીઠાં મીઠાં પાંદડાં ખવરાવે અને રહે.

કોઈ વાર પોતાની ભૂલ યાદ આવે એટલે ખૂબ રોવે. રોવે એવું કે જંગલનાં ઝાડવાંય કંપી જાય.

એક વાર એક વિમાન ત્યાંથી નીકળ્યું.

એમાં શંકર અને પાર્વતી બેઠેલાં.

પાર્વતીએ રુદન કરતી બાઈને જોઈને શંકરને પૂછ્યું.

શંકરે બધી વાત વિગતથી કહી. ધણીને કહ્યાગરો બનાવવા જતાં ધણીની અને પોતાની કેવી ખરાબ દશા કરી એ જણાવ્યું.

પાર્વતીએ કહ્યું : 'અરેરે ! બાઈને માથે દુ:ખનાં ઝાડ ઊગ્યાં. હવે બળદને માણસ બનાવો તો હા.'

૧૧૬ ᠅ સિદ્ધરાજ જયસિંહ