પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


છે ? તેર તવા એક તીરે વીંધી નાખે !' સિદ્ધરાજે કહ્યું.

‘ભાઈ સિંહરાજ ! પાટણના વીરો સાથે તમારો પલ્લો પડ્યો લાગતો નથી. બાબરા ભૂતવાળી વાત તો સાંભળી છે ને ? બાબરાથી તો તું જબરો નથી ને ? કહે જો : એક ડબ્બો ઘી પી શકીશ ? એક માટલું મધ ચાટી શકીશ ? એક મણ ટોપરાનાં કાછલાં ચાવી શકીશ? કહે !' ને ચતુર્ભુજ ચણાવાળાએ હાથની ઝાપટ મહારાજની આંખ પર મારી.

આંખ મીચાઈ ગઈ.

ચણાવાળો હસી પડ્યો ને બોલ્યો : 'અરે યાર ! એક ઝાપટમાં તો આંખ મીંચાઈ જાય છે! કોઈ ઉંદરમાર લાગો છો, ઉંદરમાર'

મહારાજે ચિડાયા જેવો ડોળ કર્યો. એ બોલ્યા : 'કાલે સાત સિંહ ને સાત વાઘ સાથે મારી ન બતાવું, તો મારું નામ સિંહરાજ નહિ !'

'અરે યાર ! અમે ગુજરાતીઓ જરા મશ્કરી કરવાના સ્વભાવવાળા છીએ. અમને ગુસ્સો કરવા કરતાં આનંદ કરવો વધુ ગમે. ભાઈ, આમ અહીં ચિડાઈશ નહિ. આ નગરની સુંદરીઓ ભારે મજાકી છે. ચિડાયો તો મૂઓ છે ! મજા કર, લહેર કર ! લે યાર સિંહરાજ, પાન તો ખા !'

ચતુર્ભુજ ચણાવાળાએ ખિસ્સામાંથી ચાંદીની નક્શીદાર ડબ્બી કાઢી મઘમઘતું કપૂરી પાન આપ્યું ને કહ્યું : 'મહારાજ સિદ્ધરાજને તમારા જેવા નરબંકા બહુ ગમે છે. એ રત્નની પરીક્ષા કરનાર ઝવેરી છે. જો નોકરી મળે તો મને યાદ કરીશ ને ?'

‘જરૂર, જરૂર ! પાન ખાધું અને લાલ મોં કર્યો એટલે અમારા દેશમાં દોસ્તી બાંધી ગણાય.'

'વાહ દોસ્ત ! જો, મારા ચણામાં તારો ભાગ; તારી નોકરીમાં મારો ભાગ. જે માણસ પાટણપતિની ભાવથી સેવા કરે એના ભવનાં દરિદર દૂર જાય.' ચણાવાળાએ કહ્યું.

'કૂબલ છે તારી શરત !'

‘તો લગાવો ફરી પાનપટ્ટી ! કરો મોં લાલ !' ને ચણાવાળાએ નાનકડું ગીત ગાતાં-ગાતાં કપૂરમિશ્રિત બીજું પાન કાઢીને સિદ્ધરાજને આપ્યું.

સિદ્ધરાજે પાન ખાતાં-ખાતાં કહ્યું,

'વાહ, ભારે મસાલેદાર પાન છે !'

૧૨૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ