પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચણાવાળાએ પોતાની પ્રશંસાના પુલ બાંધવા માંડયા.

મહારાજે કહ્યું : 'હું પરદેશી છું. તમે ચણા વેચનાર છો ? તમારુંનામ ?'

'અરે ભલા ભાઈ ! તમે તો જાણે સૂરજને પૂછો છો કે અલ્યા, તું કોણ છે? અરે મહાશય ! હું ચતુર્ભુજ ચણાવાળો. પાટણની ફાંકડી ફોફલ શેરીમાં રહું છું. મારા ચણાનાં દર્શન તો જેનાં નસીબ હોય એને થાય ! અને એ ખાવા માટે પૂર્વ પુણ્યની કમાઈ હોય તો પાટણમાં જન્મ થાય. જો કોઈ મેરા ચના ખાવે, વો દિલ્હી-દખ્ખણકા રાજા થાવે, ચન્ના જોર ગરમ !'

'તમારી પાસે ચણા છે ?'

'અરે, અત્યારે ચણા કેવા ? આ તો મોજમજાનો વખત છે. ધંધાના વખતે ધંધો, આનંદના વખતે આનંદ. પટ્ટણીઓ મખ્ખીચૂસ નથી.' ચણાવાળાએ કહ્યું ને સામે પૂછ્યું : પણ ભાઈ ! તમે ક્યાના છો ? તમારું નામ ?'

'મેદપાટનો છું નામ સિંહરાજ.'

'મારવાડના છો, એમ ને ?' ચણાવાળાએ સિંહરાજના ખભા પર પોતાના શરીરનું વજન નાખતાં કહ્યું : જાણે એ એની તાકાતની પરીક્ષા કરી રહૃાો હતો.

'હા ભાઈ, નોકરી માટે આવ્યો છું. સાંભળ્યું છે કે પાટણના રાજા સિદ્ધરાજ મહાન ઉદાર રાજા છે. કહે છે કે દક્ષિણનો જગદેવ[૧] અહીંનો મહાપ્રતિહાર-કોટવાળ છે. એના ભરોસે લોકો દ્વાર ખુલ્લાં મૂકીને સૂએ છે. દેશી-પરદેશીના ભેદ એને ત્યાં નથી. મોટા મોટા સિંહોને મેં એક હાથે પૂંછડીએ પકડીને ફંગોળીને ફેંકી દીધા છે.'

'હા ભાઈ સિંહરાજ ! ઉપલો માળ (ભેજાં) ભાડે તો આપ્યો નથી ને ! પૂંછડીએ પકડીને તે વળી સિંહ ફેંકતા હશે? તારા એ સિંહ પણ કેવા હશે ! પણ હા, અમારા ભાષાશાસ્ત્રી આચાર્ય હેમચંદ્ર કહે છે કે એક શબ્દના અનેક અર્થ થાય છે : મેષ એટલે ઘેટો પણ થાય અને રાશિ પણ થાય. અને મેઘ એટલે વરસાદે થાય, વાદળે થાય ને રાગ અથવા છંદ પણ થાય. શબ્દને કામધેનુ કહ્યો છે, એમ તમારા મેદપાટમાં ઉંદરને કે શ્વાનને સિંહ કહેતા હશે !' ચણાવાળાએ મશ્કરી કરતાં કહ્યું. એ પણ જાણકાર લાગ્યો.

'શું કહ્યું તમે ? મજાક ન કરો, મારા ભાઈ ! મેદપાટના વીરોને તમે જોયા


  1. માળવાના જગદેવ પરમારની ખૂબ વાતો ચાલે છે; પણ એ માળવાનો નહિ, પણ દક્ષિણનો મીનલદેવીનો સગો થતો, કોટવાળ તરીકે એની અજબ કીર્તિ હતી.
ચના જોર ગરમ ᠅૧૨૧