પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


'માગ્યો જવાબ આપે એ જુદા–ઉદા મહેતા નહિ !' પુરોહિતે વચ્ચે કહ્યું.

'એટલે શું પાટણ ખંભાતની નીચે છે ?'

'ના હજૂર ! પાટણ સર્વોપરી છે.'

'તો પાટણની ફરજ તપાસ કરવાની નથી ?'

'છે. હમણાં જ તપાસ કરાવું છું.' મહામંત્રીએ ઢીલા પડીને કહ્યું.

'ન્યાયના શ્રમમાં વિલંબ કરવો એ ગુનો છે, એ તમે જાણો છો ! તમને હું માફ કરું, પણ મને કોણ માફ કરે ? હું ઈશ્વરનો ગુનેગાર ઠરું છું. શિવસિંહ, અંત:પુરમાંથી પેલી પાણીની ગાગર લઈ આવ.'

શિવસિંહ ગાગર લઈ આવ્યો.

રાજાએ કહ્યું : 'એમાંનું ચરણામૃત બધાને ચખાડ.'

શિવસિંહ બધાને પાણી ચખાડવા લાગ્યો. વૃદ્ધ દરબારીઓને રાજાજીનું આ છોકરવાદપણું ન રચ્યું. પણ તેઓ મહારાજનો મિજાજ જાણતા હતા. લીધી લત છોડે એવા નહોતા.

'અહહ ! ખારું ધૂધ પાણી !' એકે કહ્યું.

'દરિયાનાં જળ લાગે છે.' બીજાએ કહ્યું.

'પાટણનું પાણી તો આવું નથી,' ત્રીજાએ કહ્યું.

'સાચી વાત છે તમારી !' મહારાજાએ કહ્યું : 'પાટણનું પાણી મોળું પડી ગયું છે; માટે ખંભાતથી આ ખારું પાણી લઈને ચાલ્યો આવું છું.'

'શું આપ ખંભાત જઈ આવ્યા ?' મહામંત્રીને આશ્ચર્ય થયું.

'આપ તો ત્રણ દિવસથી અંત:પુરમાં હતા ને ? પુરોહિતે કહ્યું.

'પુરોહિતજીની વાત ખોટી છે.મહામંત્રીનું કથન સાચું છે.' મહારાજા સિદ્ધરાજે કહ્યું.

'હું ખંભાતથી ચાલ્યો આવું છું. ખંભાતના સમાચાર સાંભળ્યા પછી મારું મન હાથમાં ન રહ્યું, ગુનાની તપાસ કરવા ને ગુનેગારને સજા કરવા ઘડિયજોજન સાંઢ લઈને ઊપડ્યો. મારી સાથે મારા બે વફાદાર અંગરક્ષકો હતા. પાટણથી ખંભાત પાંસઠ કોસ થાય.'

૧૩ર ᠅ સિદ્ધરાજ જયસિંહ