પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયસિંંહ આ સાંભળી બાબરાની છાતી પરથી ઊભો થઈ ગયો.

બાબરો ઊભો થઈને પગમાં પડી ગયો, ને બોલ્યો : 'હે સિદ્ધપુરુષ ! મને કોઈ હરાવી શક્યું નહિ. મને હરાવે એનો હું ગુલામ થઈને રહીશ, એવી મારી પ્રતિજ્ઞા હતી. હવે બાબરો તારો ગુલામ છે.'

એટલામાં આઘાપાછા ચાલતા સામંતો જયસિંહને શોધતા-શોધતા આવી પહોંચ્યા. બાબરાના સાથીદારો પણ આવી પહોંચ્યા. પણ અહીં રંગ જુદો હતો : ખરેખરો દિલનો રંગ જામ્યો હતો.

જુવાન રાજાના ચરણમાં બાબરો પડ્યો હતો. સરદારો બોલ્યા, ‘નાનું પણ સિહનું બચ્ચું ! નાનો પણ રાઈનો દાણો ! ખરેખર, રાજા જયસિંહ જુદી માટીનો છે.'

બાબરાએ કહ્યું : 'હે ગુજરાતના ધણી ! રુદ્રમાળ અધૂરો છે. હું તમારી સેવામાં રહીશ. મારાં માણસો રુદ્રમાળ પૂરો કરશે. માણસ નવરાં બેઠાં સારાં નહિ. હાથમાં કામ હોય તો હૈયામાં ઈશ્વર રહે. હાથમાં કામ ન હોય તો હૈયામાં શેતાન વસે. આજથી સિદ્ધરાજની જીભ ને બાબરાના ટાંટિયા. સિદ્ધરાજ જગનો દીવો. બાબરો એનો પડછાયો.'

'ચાલો, પાટણમાં. માતા મીનલદેવી રાહ જોતાં હશે !' રાજા જયસિંહે કહ્યું, ‘ભાઈ બર્બરક ! તું પણ અમારી સાથે ચાલ.'

બાબરાને હવે કંઈ વિચારવાનું નહોતું. રાજા કહે કે કૂવામાં પડ, તો ધબ્બ લઈને કૂદે એમ હતું !

એણે કહ્યું : 'જેવો આપનો હુકમ. હુકમ કરો તો જમના ઘેર પણ જાઉં!'

થોડી વારમાં બધા તૈયાર થઈ ગયા. બાબરો પણ સાથે ચાલી નીકળ્યો.

બધાએ કહ્યું : 'જય હે સિદ્ધરાજ જયસિંહનો !'

'જ્ય હો બર્બરકજિષ્ણુનો !'

૧૮ ᠅ સિદ્ધરાજ જયસિંંહ