પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંબભાટે વાત અટકવી.

રાજમાતા મીનલદેવીનો હાથી રાજઘંટા વગાડતો નીકળ્યો. પાટણના મહામંત્રી સાંતૂ, મુંજાલ વગેરે પાછળ હતા.

એ જ વખતે સામેથી જુવાન રાજા ઘોડો ખેલવતો આવી પહોંચ્યો.

સવારના આભમાં સૂરજ શોભે એમ એ શોભતો હતો. એની પાછળ પડછાયાની જેમ બાબરો પગપાળો ચાલતો હતો. પાછળ સરદારો ને સૈનિકો હતા.

જયસિંહે માતાને જોતાં જ ઘોડાને હાથીના પડખે લીધો, અને કૂદીને હાથીની અંબાડી પર !

જઈને માના ચરણમાં !

માએ દીકરાના મોંને ઊંચું કરીને બકી લીધી. ગમે તેવો મોટો અને ભડ ભલે હોય, તોય માને મન દીકરો ક્યારે મોટો લાગ્યો છે ?

બધેથી જયજયકર થઈ ગયો.

પાટણમાં ઉમંગની નવી હવા પ્રસરી ગઈ !

માતાએ કહ્યું :

'બેટા ! સ્વપ્નમાં શિવને જોયા હતા. કાર્તિકેય જેવા પરાક્રમી પુત્રની માતા બનાવજે, એવી માગણી કરી હતી. આજે એવો પુત્ર મને મળ્યો !'

જયસિંહ તો માના પડખામાં ભરાઈ ગયો. જાણે નાનો બાળ !

લોકો બાબરા સામે જોતા ને કંઈ કંઈ વિચાર કરતા. અરે ! આ જુવાન બાળકે બાબરાને સાધ્યો ? સહુને આ વાત બનવી અસંભવ લાગતી. તેઓ અનુમાન કરતા કે નક્કી કોઈ જૈન જતિએ આપેલા મંત્રથી બાબરાને સાધ્યો ! કાં તો પકડીને શીશામાં ઉતાર્યો, કે તો ચોટલી કાપી લીધી ! ભલે દેખાય માણસ, પણ છે ભૂત ! જયસિંહ ખરેખર સિદ્ધરાજ છે. મંત્ર-તંત્ર પૂરાં જાણે છે !

રાજમાતા મીનલદેવી પુત્રના માથાને સુંઘતાં બોલ્યાં:

'દીકરા ! તારું શિક્ષણ ફળ્યું. સરસ્વતીના પટમાં હાથી સાથેની તારી કુસ્તી, મલ્લો સાથેની રમત અને પટાબાજીની આજ પરીક્ષા થઈ ગઈ. મને યાદ

પાટણનું પાણી હરામ ᠅ ૨૭