પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આબાલવૃદ્ધ હોંશે હોંશે વાંચે એવી સંસ્કારપ્રેરક અનુપમ ગ્રંથાવલિ, વિમલ ગ્રંથાવલિ, વિદ્યાદીપ ગ્રંથાવલિ અને કમલ ગ્રંથાવલિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખુ નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં, અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખુ જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખુના ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખુના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખ્ખુ લિખિત 'બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.

જયભિખ્ખુની જન્મશતાબ્દી નિમિત્તે 'જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત 'જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી એમની મહત્ત્વની નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચરિત્રો, ધર્મકથાઓ અને બાળસાહિત્ય પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી જયભિખ્ખુનું ઉત્કૃષ્ટ સાહિત્ય ગુજરાતના સાહિત્યરસિકોને ઉપલબ્ધ થશે.

જયભિખ્ખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે.

૨૦૦૮
ટ્રસ્ટી મંડળ
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ