પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સંભાળી લીધી.

મયવંશજ માયા હરિજને તો કેડ બાંધી હતી. ઠેરઠેરથી લોકોને કામ કરવા નોતર્યા હતા.

વહેલી સવારે સરોવરનું કામ શરૂ થતું, સાંજ સુધી ચાલતું. રોજ ખોદેલી માટીના ડુંગર રચાતા.

લોકોનો ઉત્સાહ ઘણો હતો, પણ હવે પાટણના ખજાનાનું તળિયું દેખાતું હતું.

રોજ ન જાણે કંઈ કેટલાં માણસ કામે આવે. કિડિયારાં ઊભરાયેલાં જોઈ લો. સાંજે એને લાખોના મોંએ મજૂરી ચૂક્વવી પડે !

અને પાટણના ખજાનાને ઘા પર ઘા વાગ્યા હતા. છેલ્લે છેલ્લે બોતેર લાખના કરની માફીએ તો ખરો ઘા માર્યો હતો. ખજાનો સાવ ખાલીખમ ! તળિયા ઝાટક તિજોરી ! હવે શું થાય ? કટોકટી આવીને ઊભી રહી.

રાજમાતા મીનળદેવી શંકામાં પડી ગયાં : કામ પૂરું થશે કે નહિ ! એ પહેલાં સિદ્ધરાજ આવી ગયો તો ? મહેતા પણ વિચારમાં પડી ગયા : હવે આગળ કેમ વધવું ? એક તરફ સવારીનો ખર્ચ પણ સરોવર જેટલો જ ચાલુ હતો !

માયો હરિજન ઝડપ કરતો હતો. એ તો દેશદેશથી માણસો તેડાવતો, ને કામ આગળ વધારતો. કામમાં ઊંઘ કે આરામ જોવાનો નહિ ! વળી માલવાનું યુદ્ધ જલદી પૂરું થાય ને મહારાજ સિદ્ધરાજ જલદી આવી પહોંચે તો ?

સરોવર પૂરું ખોદાઈ ગયું. કાંઠા બંધાઈ ગયા. સુંદર ઘાટ પણ રચાઈ ગયા.

હવે સરસ્વતીમાંથી નહેર વાટે પાણી લાવવાનું કામ બાકી હતું. નહેરો પણ ખોદાવા માંડી હતી.

માર્ગમાં રસ્તા આવતા, ત્યાં પુલ બંધાતા. પડખેનાં ખેતરોમાં પાણી પેસી ન જાય, એ માટે પાળા રચાતા.

પણ દરેક કામમાં પૈસો પહેલો જોઈએ; અને કામ કરનારા એવા કે એક દહાડો પણ ઉધાર ન ચાલે. એમની પાસે સવારનું હોય તો સાંજનું ન હોય, સાંજનું હોય તો સવારનું ન હોય ! કામ કરનારને ખાવા તો જોઈએ ને ! ખાધા

જનતાની જય ᠅ ૭૯