પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વગર કામ કેવી રીતે થાય ?

પટ્ટણી સગાળશા ફરી વાર સાંતૂ મહેતાની મુલાકાત લઈ ગયો. એણે આજીજી કરી :

'આ સરોવરમાં મારો ફાળો લો.'

સાંતૂ મહેતાએ ના પાડી. એ પોતાના રાજાની કિર્તિમાં જરા પણ કલંક આવવા દેવા માગતા નહોતા. રાજ બાંધે; રાજનું નામ રહે.

રાજમાતા મીનલદેવી આજ વહેલી સવારે પાલખીમાં સાંતૂ મહેતાને ઘેર આવ્યાં અને દાબડો ખાલી કરતાં કહ્યું :

'મંત્રીરાજ ! લો આ સુવર્ણ ! જોજો, સરોવરનું કામ ન થંભે !'

‘રાજમાતા ! આ શું ?'

'સિદ્ધસરોવર માટે. મેં યાત્રાના કરની ભારે કમાણી ખોવરાવી. હવે મારા પુત્રનું કામ અધૂરું રહે, એ ન શોભે. જનતાની પાઈ ન લેશો. સિદ્ધરાજનું મન કોચવાશે.'

સાંતૂ મહેતા શું કહે? આભૂષણો લીધાં; સોનાં ગોળ્યાં.

પણ એ સોનાં થોડા દહાડામાં માટીની પાછળ માટી થઈ ગયાં. ફરી પૈસાની ખેંચ આવીને ઊભી.

માયો હરિજન એક દાડો સવારે મહામંત્રીના આંગણે આવ્યો. એ ચરણમાં ઝૂક્તાં બોલ્યો :

મહેતાજી ! કામ આપનાર બધા લોકોએ નિશ્ચય કર્યો છે, ને માગણી મૂકી છે કે અમને પૈસાને બદલે રાજ રોટલો ને છાશ આપે. અમારે પૈસા જોઈતા નથી. પેટવડિયા કામ કરીશું. માલવા જીતીને મહારાજ આવે ત્યારે ગમે તે સરપાવ આપજો.'

સાંતૂ મહેતા પાસે આનો કંઈ જવાબ નહોતો. એમણે છાશ રોટલાનું ખાતું ખોલ્યું.

પણ કામ તો ભારે નીકળ્યું ! જેમ જેમ હળવું કરતા ગયા, એમ એમ ભારે થતું ગયું ! નહેરો કઠણ નીકળી. પુલ ધાર્યા કરતાં વિશેષ નીકળ્યા. મૂંઝવણ, મૂંઝવણ ને પાર વગરની મૂંઝવણ !

૮૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ