પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સિદ્ધરાજ મહાન માતૃભક્ત હતો. એને પોતાની માતામાં સોમનાથદેવ જેટલી શ્રદ્ધા હતી. એને માતાનો આઘાત વધુ ન લાગે, એ માટે સાંતૂ મહેતાએ મહાન ગુરુજ્ઞાનદેવ પાસે, કવિ પાશુપતાચાર્ય પાસે જાજાતના સંદેશા લખાવ્યા; પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાળને સ્વયં ત્યાં મોકલ્યા. એમણે સંસારની નશ્વરતાનું સુંદર ચિત્ર દોરીને તૈયાર રાખ્યું.

સાંતૂ મહેતા આ વ્યવસ્થામાં પડ્યા હતા, ત્યાં સિપાઈઓ એક માણસને પકડીને લાવ્યા. તેઓએ નિવેદન કર્યું કે,

'શ્રેષ્ઠી સગાળશાનો હસ્તમલ્લ નામનો આ પુત્ર છે. એણે અહીંની એક નગરકન્યાનું કર્ણફૂલ ચોર્યું છે !'

સાંતૂ મંત્રી એ જુવાન સામે જોતાં બોલ્યા :

'કેમ, તેં નગરકન્યાનું કર્ણફૂલ ચોર્યું છે ?'

'જી હા.' હસ્તમલ્લે કહ્યું.

'શા માટે?'

જવાબમાં હસ્તમલ્લ બેફિકરું હસ્યો.

ગુનો કરવો ને પાછી આવી બેફિકરાઈ બતાવવી ! સાંતૂ મહેતાને એ ન રુચ્યું. એમણે હુકમ કર્યો.

'ઓહ ! દીવા નીચે કેવું અંધારું ! હસ્તમલ્લ ! તને કુદરતે હાથ આ માટે આપ્યા હશે, કાં ? અરે, એ પાપીના હાથ જ કાપી નાખો !'

આ વખતે સગાળશા શેઠ હાજર થયા. એમણે કહ્યું :

'છોરુંકછોરું થયું. એક વાર માફ કરો ! આપ ચાહો તેટલો દંડ કરો ! અબઘડી ભરી દઉં !'

સાંતૂ મહેતા વિચારમાં પડી ગયા. એમણે સલાહકારમંડળ નોતર્યું. બધાએ ખૂબ ચર્ચાઓ કરી. આખરે એવું ઠર્યું કે આવા ગુનાની સજા, અને એમાંય શક્તિસંપન્ન શ્રીમંતપુત્ર આવો ગુનો કરે ત્યારે એની સજા, તો કડક થવી જોઈએ : હાથ જ કાપી નાખવા જોઈએ, જેથી ફરી કોઈ આવું કામ કરવાની હિંમત ન કરે. પણ સમયને માન આપવામાં માનતી મંત્રીસભાએ રાજની ખાલી થયેલી તિજોરીનો વિચાર કર્યો; અને છેવટે હસ્તમલ્લની નાની ઉંમર જોઈને

૮૨ ᠅ સિદ્ધરાજ જયસિંહ