પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રેમની સ્પષ્ટતા:૧૩૭
 

દુશ્મનાવટ !' મધુકરે કહ્યું.

'લો ! આપણે કોઈનું શું બગાડીએ છીએ જે આપણા તરફ દુશ્મનાવટ રાખવી પડે ? બાકી આપણે તો પાંચપચાસ આપી છૂટીએ છીએ ગરીબોને !.. તોય આપણે દુશ્મન ? એ ખરું !' યશોદાબહેન બોલ્યાં. ગરીબોને ઉદારતાપૂર્વક દાન આપતા ધનિકો ગરીબોને દુશ્મન કેમ લાગે એની યશોદાબહેનને સમજ ન પડી.

‘એમ હોય તો... આપણે... સુરેન્દ્રને આપણે ત્યાં ન જ રાખી શકીએ. એ લાલ ઝેર જ્યોત્માના લોહીમાં ઊતરે તો પછી આફત ને ?' રાવબહાદુરે આવતી આફત ઓળખવા માંડી.

'એ લાલ ઝેર કયું પાછું ?' યશોદાબહેને પૂછ્યું. લોહી લાલ હોય તે સારું લાલ કંકુ સૌભાગ્યચિહ્ન મનાય પણ સામ્યવાદ પોતે જ લાલ ઝેર તરીકે ગણાયું છે એનું નવું જ્ઞાન યશોદાબહેને હજી હવે મેળવવાનું હતું. કોઈની પાસે ખાનગી મિલકત ન હોવી જોઈએ. ન્યાત, જાત કે ધર્મ કોઈએ પાળવા ન જોઈએ, અને સ્ત્રીપુરુષ વચ્ચે લગ્નસંબંધ હોવો ન જોઈએ - લગભગ વ્યભિચાર કહો ને ! આવા આવા સિદ્ધાંતો સામ્યવાદમાં હોય છે એટલે ઘણા વિચારકો એને લાલ ઝેર તરીકે ઓળખાવે છે. મધુકરે સામ્યવાદને વધારે સ્પષ્ટતાપૂર્વક ઓળખાવ્યો... તરફેણ કરનારી આંખ જુદી જ હોય છે... અને જેવી આંખ તેવી જીભ.

“હાય હાય, બાપ ! આવું બધું ચાલે છે દુનિયામાં?... એને લાલ ઝેર પણ શી રીતે કહેવાય? એ તો કાળું હળાહળ ઝેર ! સુરેન્દ્ર આવા પંથમાં છે ?' યશોદાબહેનની દૃષ્ટિ હજી પંથ, માર્ગ અને ધર્મની સીમા બહાર નીકળી શકતી ન હતી.

'જ્યોત્સાને શિક્ષકની જરૂર હોય તો બીજો શિક્ષક શોધો.' રાવબહાદુરે પણ કહ્યું. પરંતુ મધુકરને પોતાને માટે હજીય વધારે પ્રમાણમાં ઉદારતા અને ગૃહસ્થાઈની છાપ પાડવી હતી.... અને સાથે સાથે બન્નેના હૃદયમાં હજી વધારે સ્પષ્ટતાભર્યું સ્થાન લેવું હતું.

‘એ તો બની શકશે. યશોદાબહેન ! હમણાં કેટલાય દિવસથી જ્યોત્નાબહેન જ ક્યાં સુરેન્દ્રને મળે છે ?” મધુકરે કહ્યું.

'એટલે ?'

'મને એમ લાગે છે કે.… હમણાં હમણાં જ્યારે જ્યારે સુરેન્દ્ર આવે છે ત્યારે જ્યોત્નાબહેન કાં તો ઘરમાં જ ન હોય કે પછી નાટકની તૈયારીમાં રોકાયાં હોય... એટલે હું જોઉં છું કે સુરેન્દ્ર કચવાઈને પાછો જાય છે.' મધુકરે