પૃષ્ઠ:Snehashristi.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬:સ્નેહસૃષ્ટિ
 

સામ્યવાદના સિદ્ધાંત ઉપર મધુકરે પ્રકાશ પાડ્યો.

'કહે છે કે બધા જુવાનિયા જ એમાં પડે છે ?'

‘એમ ખરું... કંઈક અંશે... જુવાનોને અસર થાય છે... બધામાંય' પ્રામાણિક દેખાઈ સામ્યવાદ વિરુદ્ધ વાતાવરણ મધુકરે બન્નેના મનમાં ઊભું કરવા માંડ્યું હતું. એની પોતાની યોજનાનો આ એક વિભાગ હતો. મધુકરને પોતાને સામ્યવાદ પ્રત્યે વેર પણ ન હતું અને મૈત્રી પણ ન હતી. જે વાદ તેને જીવનમાં વિજય અપાવે એ વાદ તેનો બની શકતો. અને જાતે બહુશ્રુત તથા વાંચનશોખીન હતો એટલે વાત કરી શકાય એટલું એ ઘણું જાણતો.

'જોજો, ભાઈ ! આપણી આસપાસ કોઈ સામ્યવાદી ભરાઈ ન જાય !' યશોદાબહેને જરા ભયનો દેખાવ કરી કહ્યું અને મધુકરે બહુ સૂચક હાસ્ય કર્યું.

'કેમ હસ્યા, મધુકર ?' રાવબહાદુરે પૂછ્યું.

‘કાંઈ નહિ... આ તો યશોદાબહેનનો ભય કેવો સાચો છે એનો ખ્યાલ આવતાં મને જરા હસવું આવ્યું.. હવે સામ્યવાદીઓ તો ઘેર ઘેર ભરાઈ ગયેલા છે... આજના સમયમાં.' મધુકરે સ્વસ્થતાથી જવાબ આપ્યો.

'આપણે ત્યાં પણ ત્યારે એમ જ હશે શું? જ્યોત્સ્નાને તો કાંઈ એવું ભૂત વળગ્યું કર્યું તો નથી ને ?' યશોદાબહેને વધારે ધડકતે હૃદયે પૂછ્યું.

'એ તો સુરેન્દ્ર જાણે. સુરેન્દ્ર એમનો શિક્ષક.. એ છે તો મારો મિત્ર પરંતુ જ્યારે તમને સહુને સામ્યવાદનો આવો ભય છે ત્યારે મારે કહેવું જોઈએ કે-'

'કેમ અટકી ગયા ?'

'કાંઈ નહિ. આગળ ઉપર હું કહીશ.'

'ના ના, હમણાં જ કહો. મારા ઘરમાં એવાં તૂત ન ચાલે. કાંઈ હોય તો કહી નાખો. સુરેન્દ્ર માટે તમે શું કહેવા જતા હતા?'

'આમ તો એ... બહુ સારો યુવાન છે... પણ... ગરીબો માટેની ખોટી લાગણી ઝડપથી માનવીને સામ્યવાદ તરફ ઘસડી જાય છે.' મધુકરે ધીમે ધીમે અચકાતે અચકાતે કહ્યું.

એ સુરેન્દ્ર સામ્યવાદી છે ?' રાવબહાદુરે પૂછ્યું.

'ખુલ્લો નહિ હોય... પણ ગરીબી અને સેવાની ધૂનવાળા બધા લગભગ સામ્યવાદી વલણના તો ખરા જ. પૈસાદારો પ્રત્યે એમને ભારે