પૃષ્ઠ:Snehashristi.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
 
હાથમાં ઊતરતું ફળ
 

યુવક-યુવતીએ કારમાં એકલાં બેસવું એટલે કામવનનાં દ્વાર ખુલ્લાં મૂકી દેવાં ! કૂવા, વાવ અને પનઘટ એ પ્રાચીન કાળનાં પ્રેમસ્થાન. આજ એ ભલે બદલાઈ ગયાં હોય; એને બદલે કાર એ પ્રેમીઓ માટે હાલતો-ચાલતો અને હરતો-ફરતો પનઘટ બની રહે છે. મધુકરના માનસને જ્યોત્સ્ના સ્પષ્ટ સમજી ગઈ હતી. સુરેન્દ્રની જવરઅવર એના ઘરમાં હવે ન થાય એની યુક્તિ મધુકરે ઠીકઠીક રચી હતી, એનું જ્યોત્સ્નાને ભાન હતું. સુરેન્દ્ર સાનુકૂલ હોત, આટલો વિચિત્ર ન હોત, તો મધુકરને જ્યોત્સ્નાના ઘરમાં સ્થાન મળી ન શકત. પરંતુ સુરેન્દ્રને તો સ્ત્રી જાતિથી જ અલગ રહેવું હોય એમ ક્યારનુંયે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. છતાં શા માટે જ્યોત્સ્ના હજી સુરેન્દ્રને યાદ કર્યા કરતી હતી ? જ્યોત્સ્નાને પોતાને પણ એ વિચાર આવ્યો.

સાથે સાથે એ પ્રશ્ન મધુકરના હૃદયમાં પણ બીજી વિચારશ્રેણીમાંથી જાગ્યો; અને એકાંત લાંબી શાંતિ સહન કરી શકતું ન હોવાથી મધુકરે પૂછ્યું :

‘જ્યોત્સ્ના ! હવે સુરેન્દ્રને શોધવાનો બીજો કાર્યક્રમ તો નથી ને ?’

‘આજે તો હવે નહિ જ.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘એટલે આવતી કાલે પાછો કાર્યક્રમ ખરો; એમ ?’

‘ના.’

‘કારણ ?’

‘હવે એમ થાય છે કે… સુરેન્દ્રને… એને માર્ગે જ જવા દેવો… એને કોઈની જરૂર ન હોય તો આપણે ક્યાં પાછળ દોડવું… મદદ કરવા ? સહાય પણ કેટલે સુધી કરી શકાય ? જ્યોત્સ્નાએ કહ્યું.

‘બરાબર. એના કરતાં વધારે સુખી કે ધનવાનને સુરેન્દ્ર જુએ છે કે એના દિલમાં વેરઝેર વસી જાય છે. એને આખી દુનિયા એક સપાટી ઉપર લાવવી છે.’

‘એ બને ખરું ? સારું તો લાગે છે.’

‘શી રીતે બને ? બધાં જ માનવી સરખી ઊંચાઈનાં હોવાં જોઈએ…