પૃષ્ઠ:Snehashristi.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦:સ્નેહસૃષ્ટિ
 

હસ્તવળોટથી મસ્તકે પોતાનું લૂગડું કેમ ઓઢી લીધું ? માતા, પિતા અને મધુકર ત્રણેને જ્યોત્સ્નાના આ નૂતન અભિનયથી આશ્ચર્ય ઊપજ્યું. મધુકર તરફ બિલકુલ નિહાળ્યા વગર જ્યોત્સ્નાએ મધુકર પાસે ચાનો પ્યાલો મૂકી દીધો; કોઈ કાંઈ બોલ્યું નહિ. શાંતિ જરા અસહ્ય બનવા લાગી અને મધુકરે કહ્યું :

‘મારાં માતાપિતાને… આજે… આમંત્રણ શાનું જ્યોત્સ્નાએ આપ્યું ?’

‘અરે, જ્યોત્સ્નાએ આમંત્રણ આપ્યું એ અમે જ આપ્યું છે એમ માની લેજો ને ?’ યશોદાબહેને કહ્યું.

‘પણ કાંઈ કારણ ?’ મધુકરે પૂછ્યું.

‘વાહ ! એમાં કારણ શું ? આટલા દિવસથી તમે આવતા - જતા હો અને તમારાં માબાપને અમે ઓળખીએ પણ નહિ, એ બરાબર ન કહેવાય.’

‘પણ એ બન્ને આવા સ્થળથી પરિચિત નથી.’

‘તે હવે થશે… થયા વગર કાંઈ ચાલવાનું છે ?’

‘એમણે તો મને ના કહેવા મોકલ્યો છે.’

‘એ ચાલે જ નહિ. એ ન આવે તો અમને ખોટું લાગે.’ યશોદાબહેને આગ્રહ કર્યો.

એ જ ક્ષણે ચા પી રહી જ્યોત્સ્ના ત્યાંથી ઊઠી મસ્તક ફરીથી ઢાંકી ખંડમાંથી ચાલી ગઈ.

જ્યોત્સ્ના આમે સભ્ય તો ઘણી જ હતી, પરંતુ આજની એની સભ્યતા, મર્યાદા અને ઠાવકાશ સહુની નજરે ચોંટી જાય એવાં હતાં. આ નવો ફેરફાર પ્રેમ જ લાવી શકે. અને પ્રેમ પણ ત્યારે જ લાવી શકે કે જ્યારે પ્રેમના મધ્યબિંદુ સરખો પ્રેમી નક્કી થયો હોય ! યશોદાબહેનને મન એટલું સ્પષ્ટ થયું કે જ્યોત્સ્નાની સ્વસ્થતા અને અસ્વસ્થતા પાછળ મધુકર જ કારણરૂપ હતો !

મધુકરે પણ જ્યોત્સ્નાના આ વિચિત્ર લાગતા પરંતુ વાંધો ન લેઈ શકાય એવા અભિનયમાં એ જ કારણ વાંચ્યું, અને પોતાની નાનકડી ફરજ બજાવી લઈ લાગ જોઈ એણે જ્યોત્સ્નાના ખંડ તરફ પોતાનાં પગલાં દોર્યાં. પરંતુ જ્યોત્સ્ના સ્નાનાગારમાં ગઈ હતી એવા સમાચાર મળ્યા. આજ સુખી કુટુંબોનાં સ્નાનાગર પચાસ વર્ષ પહેલાંનાં ખુલ્લાં સ્નાનાગાર હોઈ શકે નહિ જ; એ બંધ જ હોય. અને પ્રાચીન કાળનો પાંચ મિનિટનો સ્નાનાવિધિ એ આજનો સ્નાનવિધિ હોઈ શકે જ નહિ. સ્નાનાગારમાં પુરુષ કે સ્ત્રી