લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધુ અને વિતંડાઃ ૧૯૫
 

ભાષણખોર હિંદી-ગુજરાતી બોલતા સાધુની એ વાણી ન હતી. વળી વિશુદ્ધ ભાષા ઉચ્ચારી રહેલા સાધુને મુખે ધર્મછાપ રહિત સમાજની વાત સાંભળવી એ ખરેખર નવાઈનો પ્રસંગ કહેવાય.

‘આપ ધર્મછાપ રહિત સમાજમાં માનો છો ખરા ?’

‘ધર્મછાપ પાડવા લાયક ન રહે તો સમાજ એને છોડી જ દે ને ?’ સાધુએ કહ્યું. અને સુરેન્દ્ર સાધુ સામે જોઈ રહ્યો. ખાખીસંન્યાસી-ત્યાગી સરખા વેશમાં રહેલો આ પ્રૌઢ સાધુ સુરેન્દ્ર સરખા નવીનતાભર્યા યુવકની વાણી કેમ ઉચ્ચારી રહ્યો હતો ?

‘આપ સરખા સાધુઓ વધારે પ્રમાણમાં હોય તો કેવું સારું ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘તું પણ એ ક્રમમાં આવતો દેખાય છે.’ સાધુએ કહ્યું.

‘હું ? હું સાધુવેશમાં માનતો નથી.’

‘ન જ માનવું જોઈએ… પરંતુ વેશ બદલાય ખરા… નવા સાધુઓના નવા વેશ… તું પણ મારાં વસ્ત્રથી બહુ દૂર રહ્યો હોય એમ લાગતું નથી.’

‘મારે અને સાધુતાને કાંઈ સંબંધ નથી. હું તો પાર્થિવ માનવી છું… ધર્મ... ઈશ્વર… પ્રાર્થના… સમર્પણ… એ સર્વથી હું દૂર છું, મહારાજ !’

‘તેં આ ભગતને સો રૂપિયા આપી કુટુંબને જિવાડ્યું. એમાં તારી પાર્થિવતા કાંઈ દેખાઈ નહિ. એના કરતાં વધારે મોટું સમર્પણ મેં સાંભળ્યું નથી.’

‘પાસે હતા તે પૈસા આપી દીધા… જેને જરૂર હોય તેને પહેલું આપવું જ જોઈએ ને ?’

‘તારે જરૂર નહિ હોય એમ લાગે છે. ધનિક છો તું ?’

‘ધનિક તો નથી… પણ ધન ભેગું કરવું નથી… ધનિક બનવું પણ નથી.’ સુરેન્દ્રે કહ્યું.

‘કારણ ?’

‘ધન મને બંધનરૂપ લાગ્યું.’

‘જુનવાણી વિચારનો તું દેખાય છે.’

‘એમાં જુનવાણી વિચાર શાના ?’

‘અત્યારનું અર્થશાસ્ત્ર તો ઉત્પાદન વધારવા અને જરૂરિયાતો વધારવા ભલામણ કરે છે. જીવનકક્ષા ઊંચી ચડવી જોઈએ ને ?’ સાધુએ વર્તમાન અર્થવલણને આગળ કર્યું.