લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધુ અને વિતંડાઃ ૧૯૭
 

આપી.

‘ધૃષ્ટતાની માફી માગી લઉં… પરંતુ આપ આ બધું જોયા છતાં સાધુ કેમ બન્યા ? આપણી ભાવના સમજ્યો હોઉં તો… સાધુ એટલે ત્યાગની મૂર્તિ… નહિ ?’

‘મારી વાત કરે છે તું ?’

‘મને ઓળખે છે ખરો તું ?’

‘આજે જ એ લાભ મને મળ્યો. દૂરથી જોયા છે ખરા.’

‘તો જાણી લે વધારામાં કે હું નિષ્ફળતાની મૂર્તિ છું. સાધુનાં વસ્ત્રોમાં ઘણી વાર નિષ્ફળતા સમાયેલી હોય છે.’

‘પણ સાધુત્વ તો સફળતા-નિષ્ફળતાથી પર હોય છે ને ?’

‘ફલિત ન થાય એવા કાર્યનો અર્થ શો ? વારુ… તને જોઈને… તને મળીને… મને એક રીતે આનંદ થયો… અને એક રીતે દિલગીરી પણ થઈ… આ ભજનિક કુટુંબને તેં સો રૂપિયા જેટલી રકમ આપી એમ મેં સાંભળ્યું ત્યારથી તને જોવા મારા સરખા સાધુને પણ ઉત્સુકતા ઊપજી… સો રૂપિયા જુગારમાં ફેંકાતા મેં જોયા છે, સંગીતમાં ફેંકાતા જોયા છે, નૃત્યોમાં ફેંકાતા જોયા છે. મંદિરમાં કે ગુરુચરણે ફેંકાતા જોયા છે, વેશ્યાગૃહે ફેંકાતા જોયા છે… પરંતુ ભૂખે મરતા માગણને કોઈએ આમ સો રૂપિયા આપ્યા હોય એમ મેં કદી જોયું નથી… ને આ ભજનિકનો આભાર તેં હજી અનુભવ્યો નથી.’ સાધુ બોલ્યા.

‘પરંતુ આપ મને જોઈને દિલગીર કેમ થયા ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘દિલગીર એટલા માટે કે… તારું પાર્થિવ જીવન વેડફાઈ રહ્યું છે. તું તો પાર્થિવ માનવી છે ને, તારા કહેવા પ્રમાણે ?’

‘હા જી, હું અધ્યાત્મમાં માનતો જ નથી. જડવાદી છું હું…’

‘માટે જ હું કહું છું કે તારું જીવન વેડફાઈ રહ્યું છે.’

‘મને સમજાતું નથી કે મારું જીવન કેમ વેડફાઈ શકે.’

‘તું સારું ભણેલો છે; તને સારી નોકરી મળવી જોઈએ. તું લેતો નહિ હોઉં તો તારું ભણતર વેડફાયું જ માનવું ને ?’

‘એવું કાંઈ નથી. નોકરી કર્યા વગર પણ હું મારા ભણતરનો ઉપયોગ કરી શકું છું… અને હું જે રીતે ઉપયોગ કરી રહ્યો છું તે રીતે નોકરી સ્વીકારતાં હું ભણતરનો ઉપયોગ કરી શકું જ નહિ.’