પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪:સ્નેહસૃષ્ટિ
 

આકર્ષક સ્ત્રી આકર્ષણને - સ્ત્રીઆમંત્રણને જતું કર્યું હતું !

શા માટે ?

ધન અને સ્ત્રી એના માર્ગની વચ્ચે ન આવે માટે - સિદ્ધિની એ બંને જબરજસ્ત આડખીલીઓ છે તે માટે !

પણ એનો માર્ગ કયો ! સમાજપલટાનો માર્ગ ! સમાજને એવી રીતે પલટી નાખવો કે એમાં ગરીબ-તવંગરના ભેદ રહે જ નહિ. એનું પ્રથમ પગથિયું તો એ જ હોઈ શકે કે તેણે પોતે જ ગરીબીની સામાન્ય કક્ષા સ્વીકારી, એને ઓળખી. એમાંથી સમાજપલટો કરવાના માર્ગને શોધી કાઢવો. ધનનો ઢગલો કરી તેના ઉપર બેસનારથી ધનની સાચી વહેંચણી કદી થઈ શકે જ નહિ. ધનસંચયી માનવ માનવજાતનો દુશ્મન છે એમ તેને સ્પષ્ટ લાગતું જ હતું. ધને મેળવીને નહિ, પરંતુ એને જતું કરીને જ એ દૃષ્ટાંતરૂપ બની શકે. જે માનવીને કારકિર્દી શોધવી હોય, જે માનવીને વધારે પગાર ખોળવો હોય, જે માનવીને સુખવૈભવનો ખ્યાલ કરવો હોય, જે માનવીને સ્ત્રીસુખ ભોગવવું હોય અને બાળકો માટેનાં વાત્સ્લ્યની મોજ માણવી હોય, આજ્ઞા અને હુકમ કરવાની જાજ્વલ્ય પરિસ્થિતિએ પહોંચવું હોય, ફૂલહાર, જયનાદ અને તાળીઓના કોડ જેને રહ્યા હોય, તેનાથી સમાજપલટો કદી થઈ શકે જ નહિ એવી તેની માન્યતા હતી. એવો માનવી ચાલુ પરિસ્થિતિને જ પોષે છે, એટલે કે માનવજાતની અસમાનતા ચાલુ રાખવામાં એ હથિયાર બને છે. પલટો કરનારથી - પલટો માગનારથી એમાંનું કશું સ્પર્શી શકાય નહિ.

સુરેન્દ્રે એટલી સાધના તો કરી જ. પરંતુ એ સાધનાની પાછળ સિદ્ધિ લાવવા માટેની શક્યતા ચાલી જતી દેખાતી હતી. બેચાર ભૂખે મરતા માનવીઓને એક ટંક ખોરાક આપવાથી, બેચાર આંખવિહીન માનવીઓને પુસ્તક વાંચી સંભળાવવાથી માનવ અસમાનતાનો આખો પ્રશ્ન ઊકલે એમ તો કદી બને જ નહિ. એમ ન બને માટે ચાલતી દુનિયા ભેગા ચાલીને મળે તે લાભ ખેંચી લેવો. એવી અનુકૂળ પરિસ્થિતિમાં સેવાભાવના ગોઠવાઈ જઈ, પોતાનું વિલોપન કરી દે છે. એમાંથી તો તે બચી ગયો હતો. પરંતુ એના એકલાના પ્રયત્નથી સિદ્ધિ મળે અને માનવજીવન સમાન થાય એમ તેને ખાતરી થતી ન હતી.

સામ્યવાદ તેને આકર્ષી રહ્યો હતો. અર્થનું રાષ્ટ્રીયકરણ કરી રાષ્ટ્રના પ્રત્યેક માનવઅંગને શ્રમનો અને પોષણનો અધિકાર આપી, જ્ઞાન, કલા ને આનંદ સહુ માટે છુટ્ટાં રેલાવવાની પરિસ્થિતિ ઊભી કરી માનવજાતની અસમાનતા દૂર કરવાનો સામ્યવાદી કાર્યક્રમ તેને અશક્ય લાગતો ન હતો.