પૃષ્ઠ:Snehashristi.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગાંધીરંગ્યો સામ્યવાદઃ ૨૦૫
 

એ કાર્યક્રમ તેને ગમતો હતો; પરંતુ એ સિદ્ધ કરવા માટે લોહીનું ટીપું પણ રેડવું પડે, કુટિલ કાવતરાંનો ઓછો પણ આશ્રય લેવો પડે, અને એ સિદ્ધિ મળ્યા પછી પણ પોતાના વિચારોને અમુક શબ્દોમાં જ આકાર આપવો પડે, એ ત્રણે તત્ત્વો સુરેન્દ્રને અણગમતાં થઈ પડ્યાં. ગાંધીજીએ અહિંસાથી આખા હિંદને સ્વરાજ અપાવ્યું. એ જ અહિંસાનું સાધન માનવજીવનની સમાનતા માટે ઉપયોગમાં આવી કેમ ન શકે ? આત્મભોગ તો હિંસા પણ માગે છે, સામ્યવાદ પણ માગે છે; અહિંસા પણ આત્મભોગ જરૂર માગે ! એટલે અહિંસા દ્વારા સમાજપલટો કરવાના માર્ગમાં પણ ભારેમાં ભારે આત્મભોગ કરનાર કોઈ માનવી મળી જાય તો માનવ સમાનતાની સિદ્ધિ જોતજોતામાં વ્યાપક બને, એમ સુરેન્દ્રને ઝાંખો ઝાંખો ખ્યાલ આવ્યા કરતો હતો. અને તેના પ્રથમ આત્મભોગ તરીકે એણે ધનને, સત્તાને અને સ્ત્રીને પોતાનાથી દૂરના દૂર આજ સુધી રાખ્યાં હતાં. એને માટે એના મિત્રો સુરેન્દ્રને ભારે ઠપકો પણ આપતા હતા. ધન સહુનામાં વહેંચવું હોય તો ધનની પરખ તો જોઈએ જ; ધનની શક્તિ પણ સમજવી જોઈએ; ધન કેમ વહેંચી શકાય એના કાયદા પણ જોઈએ. સત્તા વગર કોઈ પણ ફેરફાર શક્ય થઈ શકે નહિ. અને થઈ શકે તોપણ, તે લાંબો વખત ચાલે પણ નહિ. અને સ્ત્રીવિહોણા બ્રહ્મચારીઓના, બ્રહ્મચારિણીઓના મઠમંદિરમાં કેવા અનાચાર પ્રવેશી ચૂક્યા હતા તેનાં દૃષ્ટાંતો બૌદ્ધ અને ખ્રિસ્તી મઠ મંદિરોના ઇતિહાસમાંથી જોઈએ એટલાં મળી આવે એમ હતાં. સ્ત્રીને પુરુષ હડસેલે અગર પુરુષને સ્ત્રી હડસેલે, એમાં આખા જીવનક્રમનો વિરોધ ઊભો થતો હતો. દુનિયા પલટવામાં દુનિયાના સ્વયંભૂ કાયદાઓ તોડવાની જરૂર ન રહે. આવી દલીલો તેના મિત્રો પણ કરતા હતા અને સુરેન્દ્ર પોતે પણ કરતો. છતાં તેને વારંવાર લાગ્યા કરતું હતું કે જીવનક્રમના બહાના નીચે સ્ત્રીપુરુષ ભોગવિલાસમાં લુપ્ત રહેતાં હતાં. ધનને ઓળખવાને બહાને ધનપતિ બની શોષણ કરતાં હતાં, અને સત્તાની સોટી સમાનતાને માટે વાપરવાને બદલે પોતાની સરમુખત્યારી સાચવવા માટે ઉગામી રાખતાં હતાં. સુરેન્દ્રના જીવનમાં તો એ ન જ બનવું જોઈએ તેણે નિશ્ચય કર્યો હતો.

નોકરી ગુમાવી, સ્ત્રીને હડસેલી, પૈસાને ફેંકી દઈ, ઘેર આવેલા સુરેન્દ્રને આવતી કાલે કેમ પોષણ કરવું એની આછી ચિંતા તો જરૂર ઉત્પન્ન થઈ. તે તો ખરો - માતાનું મન મનાવીને - માતાને પોતાની આર્થિક ચિંતા ન કરવા દઈને. શરૂઆતમાં તેને નિદ્રા ન આવી અને નિદ્રા આવી ત્યારે તેણે એક અનુપમ સ્વપ્ન નિહાળ્યું.