‘લગ્ન પછી શાની આ ધમકી છે ? લગ્ન પછી તો મારાથી તને તુંકારાશે પણ નહિ; અને આટલું પણ સામે જોવાશે નહિ…’
‘લગ્ન પછી તો હું પણ આજ્ઞા કરીશ.’ જરા ઉત્સાહમાં આવી મધુકરે કહ્યું.
‘પરંતુ લગ્ન પછી હું તારી આજ્ઞા ન માનું તો ?’ જ્યોત્સ્નાએ જરા ગંભીર બની મધુકરની સામે જોઈ પૂછ્યું,
‘તો તો મારે તારી જ આજ્ઞા માનવી રહી… છતાં મારી ખાતરી છે કે તું શ્રીલતા જેવી ઉછાંછળી, અછકલી અને બેઅદબ તો નથી જ.’ મધુકરે પોતાની વ્યવહારદક્ષતા આગળ કરીને કહ્યું. સ્ત્રીઓના વખતવખતના મનતરંગને ઓળખીને તેમને વશ કરવાની આવડત પોતાનામાં હતી જ એમ મધુકર માનતો હતો.
‘બિચારી શ્રીલતાને હવે તું શા માટે ફજેત કરે છે ? એને તો તેં છોડી દીધી !’ જ્યોત્સ્નાએ મધુકરને કહ્યું. જ્યોત્સ્ના આજ બહુ દિવસે મધુકર સાથે લાંબી વાત કરવાને તૈયાર હતી. તેનો લાભ લેવાની મધુકરને ઈચ્છા થાય એ સ્વાભાવિક હતું.
‘શ્રીલતાને મેં છોડી દીધી એમ તું કહે છે ?’ મધુકરે જાણે પોતાને અન્યાય થયો હોય એમ મુખ ઉપર દુઃખ લાવી કહ્યું :
‘શ્રીલતા તો એમ કહે છે જ.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.
‘સારું થયું કે તેં આ વાત કાઢી. હવે તને ખબર પડી કે શ્રીલતા ક્યાં ક્યાં જાય છે તે ?’ મધુકરે પૂછ્યું.
‘મને તો કંઈ જ ખબર નથી, ઘણુંખરું તો એ મારી સાથે જ રહે છે - આપણા નાટ્યપ્રયોગને અંગે.’
‘અને નાટ્યપ્રયોગ ન હોય ત્યારે એ ક્યાં હોય છે એ તું જાણે છે ?’
‘મને શી ખબર ?’
‘તારે ખબર રાખવા જેવી છે.’
‘કારણ ?’
‘કારણ એટલું જ કે જે સમય એને મળે છે તેમાં… કોની સાથે ફરે છે તે તું જાણે છે ?’ મધુકરે પૂછ્યું,
‘ના, ભાઈ ! મને એ ખબર નથી.’
‘તો તું જાણી લે કે એ તો પેલા સુરેન્દ્રની સાથે ફરે છે - જે સુરેન્દ્ર પાછળ તું ઘેલી થઈ હતી તે.’