પૃષ્ઠ:Snehashristi.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીના શિકારઃ ૪૫
 

એવામાં આ વિચાર તેના હૃદયમાં ભોંકાયો અને તેની નિદ્રા ઊડી ગઈ. આગળ આવવાની તમન્ના, ધનલોભ અને સ્ત્રીલાલસા સામાન્ય ક્રમમાં પણ જાદુ નિહાળવા પ્રેરાય છે. અને જ્યાં કાંઈ પણ ઉદ્દેશ ન હોય ત્યાં આંટીઘૂંટીનું કારખાનું ઊભું કરે છે. મધુકર જેને આજ દિન સુધી કશા હિસાબમાં લખતો નહિ, એ સુરેન્દ્ર આજ તેને નોકરી અપાવતો હતો. અને જેની મૈત્રીમાંથી વધતા જતા સંબંધમાં તે પરદેશની મુસાફરી અને લાભકારક પ્રેમની સંભાવના નિહાળી રહ્યો હતો એ જ્યોત્સ્નાનું સાંન્નિધ્ય પણ સુરેન્દ્ર મેળવી ચૂક્યો હતો !… મધુકર નહિ !

એકમાર્ગી દેખાતો સુરેન્દ્ર, નિરુપદ્રવી દેખાતો સુરેન્દ્ર ધાર્યા કરતાં વધારે ઊંડો અને કૂટ નીકળ્યો ! પરંતુ મધુકરની ઊંડાઈ છેક ઓછી તો હતી જ નહિ. યુવાન મિત્રોને, સાથે કે પાછળ ભણતી યુવતીઓને શિક્ષકો તથા પ્રોફેસરોને ભોળવવાની જ્યારે જ્યારે એને જરૂર પડી હતી ત્યારે ત્યારે એણે સફળતાપૂર્વક પોતાની છટા અને બાહોશીનો ઉપયોગ કર્યો હતો. શ્રીલતા નામની ચબરાક યુવતીના પિતા છેલ્લી ઘડીએ શ્રીલતાની સાથે તેને યુરોપ મોકલવાની તૈયારીમાં નિષ્ફળ નીવડ્યા ન હોત તો એ ક્યારનો યુરોપમાં ફરી વળ્યો હોત… અને શ્રીલતાને અંતે છોડી દીધી હોત… કે જે થાત તે ખરું ! જ્યોત્સ્નાના પિતા શ્રીલતાના પિતા કરતાં ઘણા વધારે સમૃદ્ધ હતા, અને મધુકરના મિત્રવર્તુળમાં જ્યોત્સ્ના આવી ચૂકી હતી એટલે શ્રીલતાને ખસતી કરવાનું વલણ પણ મધુકરે ક્યારનુંયે ધારણ કર્યું હતું !

વીર પુરુષે જે સાધન મળે એ સાધન દ્વારા યુદ્ધ ખેલવાનું રહ્યું. જ્યોત્સ્ના નહિ તો જ્યોત્સ્નાનાં માતાપિતાનું સાંનિધ્ય તેને મળ્યું હતું. એ પણ એક અસરકારક સાધન કહેવાય. એનો ઉપયોગ કરીને એ સુરેન્દ્રને માત કેમ ન કરી શકે ? રાવબહાદુર ઉપર છાપ તો એણે ઘણી સરસ પાડી હતી… અને જોકે જ્યોત્સ્નાએ આજ તેને મળવાની ના પાડી હતી એ સાચું… છતાં એના અત્યારના સંજોગમાં એની મના કેટલી લાંબી ચાલી શકે એ પ્રશ્ન જ હતો. આજે સવારે ભલે એણે ના કહી; આજ સાંજે પિતાના સેક્રેટરીને મળ્યા વગર તેને ન જ ચાલે એવો સંજોગ ઊભો કરતાં એને નહિ આવડે એમ તો હતું જ નહિ. મધુકર પથારીમાં બેઠો થઈ ગયો. તેનાથી મનમાં બોલાઈ ગયું :

‘ઠીક… હવે હું છું અને સુરેન્દ્ર છે !’ એવામાં જ ધીમે ધીમે ખખડાટ થાય નહિ, એ ઢબે તેની માતાએ તેના સૂવાના ખંડનું બારણું ખોલ્યું અને પુત્રને પથારીમાં બેઠેલો જોયો.

‘તું જાગે છે શું, મધુકર ?’ માએ પૂછ્યું.