પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વ કલેજાંની મગરૂરી જાણે કે મૂર્તિમાન રંગભૂમિ પર ખડી થઇ ગઇ હતી. સર્વ કોઇના સીના તળે સૂતેલા શબ્દો જ જાણે કે ઉચ્ચારાયા હતા: 'આઇ એમ એ થેશીયન એન્ડ એ સોલ્જર.'

ગોરો અફસર મલકાઇ રહ્યો. એણે અંગ્રેજી શબ્દોની સચોટતા દેખી, એણે અંગ્રેજી જબાનની સંજીવની નિહાળી. આ મુડદાલ કાળાં બાળકોને પણ અમારી જબાન કેવી ખુમારી પિવાડી રહી છે! એ વાણીના છંટકાવે આ શબો બેઠાં થાય છે. વાહ જબાન! વાહ સાહિત્ય!

પણ એનો આનંદ-ઝરો થંભી ગયો. એને આ તમાશો ન ગમ્યો. આ ડાકુ-પાત્રના હુંકારમાં એણે ભવિષ્યના ભણકાર સાંભળ્યા. નિશાળોમાં નાટક કરતી આ પ્રજા ભવિષ્યમાં કોઇક દિવસ જીવનમાં તો નાટક નહિ ઉતારી બેસે ને! આપણી જ ખુમારી આપણા સામી નહિ પ્રયોજે ને!

એ વિચારે ગોરો ચડી ગયો. ડાકુની તુમાખી એને ન ગમી. એ જો સિર્ફ લશ્કરી અમલદાર હોત તો એને નવો વિચાર ન સૂઝત. પણ એ પાછો રાજદ્વારી અધિકારી હતો. એનો વિચાર આગળ ચાલ્યો. ભવિષ્યમાં ભમવા લાગ્યો. એને ત્યાંથી ચાલ્યા જવાનું મન થયું. સંવાદ અટકાવવાની ઈચ્છા થઇ. પોતાની પૂર્વે અહીં આવી ગયેલા પોલિટિકલ અફસરોએ જ પડાવેલી આ આદતો હતી. આવા તમાશા વડે પ્રાંતના હાકેમોનું સ્વાગત કરનારા ગામગામની નિશાળોના હેડ-માસ્તરો આવી કરામત ક્યાં જઈ શીખી આવ્યા છે? કોણે એમણે ચડાવ્યા છે?.... બીજા કોણે? - અસલ કાળમાં નોકરી કરી ગયેલ પોલિટિકલ એજન્ટોએ. એમણે જ આ કેફ કરાવ્યો છે. આ ધાંધલ જવું જોઇએ.

ગોરો અધવચ્ચેથી ઊઠીને જવા જ માગતો હતો, ત્યાં કોઇએ આવીને એના હાથમાં ચીઠ્ઠી આપી. વાંચીને ગોરાને મુખમુદ્રા બદલી. 'બદલી' એમ કરતાં પોતાની જાણે જ 'બદલાઇ ગઇ' કહેવું વધુ ઉચિત થશે. એના મોં પર પ્રસન્નતા રમવા માંડી. એણે વારંવાર પાછળ ફરીને દરબાર સુરેન્દ્રદેવ જોડે પણ મીઠા શબ્દોની આપ-લે કરી. ઠાકોર સાહેબ પ્રત્યે પણ લટુ બનવા લાગ્યો. સૂર્યનું ગ્રહણ છૂટે ને જગત જેવું ઝાકમઝોળ બની જાય, તેવું તેજોમય એનું મો બની ગયું.

આ પરિવર્તનનો મર્મ ન ઠાકોર સાહેબ પારખી શક્યા કે ન સુરેન્દ્રદેવજીને

૧૧૫
સોરઠ તારાં વહેતાં પાણી