પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એ દુઃખનો અંત આપના આવા ઉધામાથી આવવાનો છે?" વકીલે પૂછ્યું.

"મને તો મોટો ડર હવે પછીના મામલાનો લાગે છે." પોલીસ-ઉપરીએ જાણીબૂઝીને એક પ્રસંગની યાદ કરાવી.

"શો મામલો?"

"વાઈસરોય સાહેબનો દરબાર."

"ને ભય શાનો?"

"વાઈસરોયના દરબારમાં પધારવું તો પડશે જ ને!"

"હા. આવીશું."

"કયા પોશાકમાં?"

"બીજા કયા વળી? - જે હું પહેરું છું તે જ પોશાકમાં!"

"સાંભળો!" પોલીસ-ઉપરીએ વકીલને એવી તરેહથી કહ્યું કે પોતાને અંતરમાં ઊંડું લાગી આવે છે.

"ત્યારે શું ભવૈયાનો વેશ કાઢીને જાઉં દરબારમાં?"

"અરે બાપુ!" વકીલે ટેબલ પર થપાટ લગાવીને કહ્યું: "રશિયાના લેનિને એના સાથીઓને હમણાં હમણાં શું કહ્યું છે, જાણો છો?"

"શું?"

"ઘાઘરા પહેરી જવું પડે ને, તોપણ જવું, બેલાશક જવું - જો એમ કર્યે આપણો અર્થ સરતો હોય તો!"

"હા, એ એક વાત હવે બાકી રહી છે! વારુ! પણ અર્થ સરતો હોય તો ને? કયો અર્થ?"

"આ સોરઠિયા શૂરવીરોની જમાત બાંધવાનો." પોલીસ-ઉપરીએ કહ્યું: "આપનો તાલુકો હાથમાં હશે તો બધું જ કરી શકશો."

"તાલુકો! તાલુકો વળી હાથમાંથી ક્યાં જવાનો છે?"

"રીતસરનો પોશાક પહેરીને દરબારમાં નહિ જાઓ તો તાલુકો જશે."

"એમ? એટલી બધી વાત?"

"હા, મહેરબાન!"

"પણ હું તો એક ખેડૂત છું. કહો કે મોટો ખેડૂત છું. ખેડૂતના પોશાક

૨૨૯
સોરઠ તારાં વહેતાં પાણી