પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

49. નવો ખેડુ

ત્રીજી ચોથી વારકી વિંયાતલ કોઈ આહિરાણી જેવી હાલારી નદી પહોળાવેલ દેહે પડી હતી. પાએક ગાઉના ઘેરાવમાં એનાં વાંસજાળ પાણી, કોઈ હઠીલા ઘરધણીને ઘેર અસૂરું રોકાણ પામેલા પરોણલાઓની માફક મૂંગા બનીને ઊભાં હતાં. ખોરડાં ખોરડાં જેવડાં જંગી કાળમીંઢોના બિહામણા ગદેડાની વચ્ચે ભૂલાં પડીને એકબીજાંને ગોતતા છોકરાં જેવા હાલારીનાં પાણીનું અહીં જાણે કોઇ ધણ ધોળાતું હતું.

ઓતરાદી હેઠવાશે એક ઉંચો પથ્થર-બંધ ઉગમણી-આથમણી ચોકી બાંધીને પડ્યો હતો. બંધની ટોચને ઓળંગી હાલારીનાં પાણી ધોળાં ઘેટાં ઠેકી પડે એમ ઠેકતાં હતાં. ફરી પાછા કાળમીંઢોની મૂંગી ભેરવ-સેના વચ્ચે બીતાં-બીતાં એ નીર દરિયા ભણી ધાતાં હતાં.

ભૂતિયા કાળમીંઢોને જોતા ઊભેલો બંધ, કોઈ પહાડની જાંઘ જેવો, આ ભાગતાં, પાણીને ભાળીભાળી અઘોર હાકોટા પાડતો: 'જાવ મા, જાવ મા, તમારી મા મારે ઘેર મહેમાન છે.'

બંધની પાણી વગરની એક ટોચ ઉપર એક આદમી ઊભો હતો. એનો પોશાક શિકારી જેવો, રંગે ખાખી હતો. એના માથા પર વાણિયાશાહી આંટી પાડેલી હતી. ઊંચા એના બૂટ હતા. ખભે એને બે-જોટાળી બંદૂક હતી. હજુ તો પરોઢ હતું. ફાટતી પ્હો એની વિગતવાર આકૃતિને રજૂ જ્કરી શકે તેટલી જોરાવર ન હતી. કોઈ ચિતારાએ આંકેલી છાયા-છબી જેવો એ માનવી ઊભો હતો.

એ માનવીના ડાબા હાથની બાજુ ત્રણેક ગાઉનો લીલુડો ને ઘટાદાર ઘેરાવ પથરાયો હતો. પાંચાળની આછી પાંખી ડુંગરિયાળ ભોં ચોપાસ થોડાં થોડાં જુવાર બાજરાનાં લીલાં બાટાંને છુપાવતી હતી - જાણે કોઈ સમૃદ્ધિમાંથી સંકટમાં આવી પડેલી સ્ત્રી પોતાના સાડલાની ચીરાડો ઢાંકતી હતી; ત્યારે ત્રણેક ગાઉનો આ એક જ ભોંય ટુકડો વહેવારિયા વેપારી સમો સજીવન ઊભો હતો.

થોડીવાર થઈ. પરોઢનાં અજવાળા સતેજ થયાં. ને ઊંચે ઊભેલા આદમીની બંદૂક ખભેથી ઊતરી છાતીસરસી ઠેરવાતી ગઈ. પાણીમાં પડતા પથ્થરને જોરે જેમ હજાર કૂંડાળા દોરાય તેમ એના ગોળીબારથી વગડાની

૨૩૧
સોરઠ તારાં વહેતાં પાણી