પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સોરઠી બહારવટીયા
 


“અરે બાપા ! નાથાના નામનો તો શું, ઈને ભગવાનનો ય ભેા નથી. નાથાને તો પકડવાના પડકારા કરે છે.”

“ઇં છે ? તાર તાં આપણે એને મળીએ.”

બહારવટીયાએ ઘોડી ચડાવી, જુવાર વીંધીને સામી બાજુ નીકળ્યો. ત્યાં મૂછના આંકડા ચડાવીને મ્હોંમાંથી બબ્બે કટકા ગાળો કાઢતો મહેતા કૃપારામ ઢોલીઓ ઢાળીને બેઠો છે. બાજરાનો પોંક પાડી રહ્યો છે. ઉના ઉના પોંકને ખાંડમાં ભેળવીને ખાતો ખાતો કૃપારામ ગલેફાં હલાવે છે. નાથાએ છેટેથી કૃપારામને હાકલ દીધી “એ પોતડીદાસ ! ઉભો થા. માટી થઈ જા. આ લે તરવાર.”

“કોણ છે તું ? ” કૃપારામ ઢીલો થઈ ગયો,

“હું નાથો. તું જેની વાટ્ય જોતો'તો ઇ. ખેડુનાં લોહી ઘણાં દિ' પીધાં માટી થા હવે.”

આટલું કહીને નાથાએ કૃપારામને પકડ્યો, માણસોને હુકમ કર્યો કે “દોડો ઝટ, ચમારવાડેથી કોઈ ઢોરનું આળું ચામડું લઈ આવો.”

ચામડું આવ્યું.

“હવે ઈ આળા ચામડાના ઢીંઢામાં આને જીવતો ને જીવતો સીવે લ્યો.”

સીવી લઈને મહેતાને જીવતો ગુંગળાવી મારી નાખ્યો.

મેતો માધવપર તણો ગજરે ખાતો ગામ
કુંદે કરપારામ નેત૨ કીધો નાથીઆ.

આવું મોત સાંભળીને મહાલે મહાલના મહેતાઓને શરીરે થરરાટી વછૂટી ગઈ. ખેડુતોના સંતાપ આપોઆપ ઓછા થઈ ગયા. વહીવટદારોને નાથો સ્વપ્નામાં આવવા લાગ્યો.