પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા
 


[જેમ વર્ષાની ગર્જના સાંભળી કેસરી સિંહ માથાં પછાડી મરે, તેમ હસન મલેક પણ શત્રુના, પડકારા સાંભળતાંની વારે જ સામો ત્રાટકી મર્યો, એટલે જ હું એને સાચો જત કહું છું.]

શત્રુની ફોજને રોકતો રોકતો ભીમો તેરમે દિવસે ભાદર- કાંઠા ભેળો થઈ ગયો. પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો. રોઘડે પોતાના આવવાની જાણ દેતાં એને જવાબ મળ્યો કે તૈયબ ગામેતી એ લૂંટના માલમાંથી રતિ માત્ર પણ ભીમાને આપવાનો નથી. અને જુનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે.

“ઇમાનને માથે થુંકનાર આદમીને હજારૂં લ્યાનત હજો !” એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો. ગોંડળની સીમોમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહારવટીયાના પડછાયા ઉતરવા લાગ્યા. સાપની ફુંકે ચોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ.

ચાય ચાડિકે આવીયા
એતાં દળ, અહરાણ
ગલોલીનાં ધમાસાણ
ભા૨થ રચાવ્યો તેં ભીમડા

"અલા સળગાવી મેલો આ ઢાંક ગામને; આ ગામની વસ્તી ભીમા જતને રોટલા પોગાડે છે.”

એવી હાકલ દેતી, ગોંડળ, જુનાગઢ ને જામનગર એ ત્રણે રાજની ફોજ, પાંચ હજાર માણસોથી ઢાંક ગામને પાદર આવીને ઉભી રહી.

વસ્તીએ આવીને હાથ જોડ્યા : “એ માબાપ ! અમારો ઇલાજ નથી. અમે જાણી બુઝીને રોટલા આપતા નથી, પણ અમારાં ભાત જોરાવરીથી ઝુંટવી લ્યે છે.”

"બોલાવો એ બારવટીયાને ભાત દેનાર ભતવારીઓને.”