લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સોરઠી બહારવટીઆ
 


”એના ધણીના અફસોસમાં શું ચિત્તભ્રમ તો નથી ઉપડ્યું ને ?”

મોટેરા બધા , મ્હોં ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડી બાઈને ટપારી, “એ વંઠેલ ! તારો દિ' કેમ ફર્યો છે? આ દાયરો બેઠો છે, ને તું ખુલે મ્હોંયે હાલી આવ છ ? તારો જુવાન ધણી હજી કાલ્ય મરી ગયો તેની યે મરજાદ ચૂકી ? માથે ઓઢી લે કમજાત !”

“માથે ઓઢું ? મોઢું ઢાંકું ? ” દાંત ભીંસીને બાઈ બોલી. એના ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા. ડોળા ફાડ્યા: “આમાં હું કોની લાજ કરૂં ? ”

“કાં ?”

“હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ ! મારા ધણીને ઠાર મારી, ગામને ઝાંપે સંધી બચ્ચા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસારી. સાબાસ ભીમા જત ! સંધીઓની તેં દાઢીયું બોડવી. મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો !”

એટલું બોલી, ખભે ઓઢણું ઢળકતું મેલી, ઉઘાડે માથે, પોતાનો ચોટલો પીંખતી અને ખડ ! ખડ ! દાંત કાઢતી સંધીઆણી ચાલી ગઇ. ઘરમાં જઈને પછી બાઈએ છાતીફાટ વિલાપ આદર્યો. બાઇના કલ્પાંતે તમામનાં કલેજામાં કાણાં પાડી દીધાં. ત્રણસો સંધીઓ કારજનું બટકું પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડળના ગઢની દેવડીએ જઈ ઉભા રહ્યા. ભા કુંભાજીની પાસે સાગંદ લીધા કે 'ભીમાને માર્યા વગર અમારે અમારાં ઘરનાં પાણી ન ખપે.' કુંભાજીએ એક સો મકરાણી તેઓની મદદમાં દીધા અને ચારસોની ગીસ્ત બબીઆરાના ડુંગર ઉપર ચડવા લાગી.