પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
૨૧
 


ચાલી. ધ્રાફા ગામને પાદર ગીસ્ત નીકળી છે. મોખરે ચાલનારા અસવારના ભાલાની અણીએ ભીમાનું માથુ પરોવાયેલું છે. એ દેખાવ નજરે પડતાં જ ધ્રાફાનો રજપૂત દાયરો ખળભળી ઉઠયો. પાંચસો રજપૂત પલકવારમાં જ તલવારે ખેંચી આડા ફર્યા.

“કેમ ભાઈ ? ” ગીસ્તના સરદારે પૂછયું.

“એ જમાદાર, જરાક શરમ રાખો. ભીમાનું માથુ ધ્રાફાને પાદરથી તમે લઈ જઈ શકો નહિ. અને લઈ જવું હોય તો ભેળાં અમારાં માથાં પણ સંગાથ કરશે !”

માથું ત્યાં જ મૂકવું પડયું. અને ગીસ્ત ખાલી હાથે ચાલતી થઈ.

બબીઆરાની નજીક સખપરની ડુંગરીમાં ગેબનશા પીરની જગ્યાએ ઝાળના ઝાડવાંની છાંયડીમાં ભીમાના સાથીઓ બેઠા બેઠાં કસુંબા ઘુંટે છે, ત્યાં અસવાર વિનાની બે ઘોડીઓ કારમી હાવળો દેતી, ડુંગરાના ગાળાને ગજવતી, જઈને ઉભી રહી. માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે. જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લા બળતી હોય, તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે.

“આ ઘોડીયું તો ભીમાની ને અબામીંયાની.” અભરામ મલેક બોલી ઉઠયો. “નક્કી એ બેયને કાંઈક આફત પડી.”

દોડીને અભરામની વાર બબીઆરે ચડી. જઈને જુવે ત્યાં બન્ને લાશો પડેલી હતી. હજી અબામીંયાનો જીવ ગયો નહોતો. અભરામે એના મ્હોંમાં પાણી મૂકીને કહ્યું કે,

“તારા જીવને ગત કરજે, તારા અને ભીમાના મારને અમે મારશું.”

તમામ લાશોને દફનાવી અભરામે પણ બહારવટું ખેડ્યું અને બાવા ઝુણેજાને માર્યો.