પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૩૫
 


મુંબાઈ સરકારે આખરે ખબર કઢાવ્યા કે “બાવાવાળાને શું જોઈએ છે ?”

કોઈ વટેમાર્ગુએ સરકારને ચિઠ્ઠી પહેાંચાડી કે બાવાવાળાને એનું વીસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાંટને જીવતો ભાળશો.”

કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયે ઠેકાણેથી ! અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાંટને અને મોતને ઝાઝું છેટું નથી રહ્યું.

મુંબઈની સરકારમાંથી જુનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે “ચાહે તે ભોગે પણ હરસુરિકા કાઠીની પાસેથી વીસાવદર પરગણું બાવાવાળાને અપાવો. અને જો ગ્રાંટના ખુનનું ટીપું પડશે તો ગોરી પલ્ટનો ઉતરીને ગીર સળગાવી નાખશે. અને રાણી સરકારનો ખોફ તમારાં રજવાડાં ઉપર ઉતરશે.”

નવાબના ચતુર દિવાને ગિરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જુનાગઢની મદદથી વીસાવદર પરગણું બાવાવાળાને હાથ પડ્યું. અને કપ્તાન ગ્રાંટને ગીરમાં છૂટો મેલી બહારવટીયા વીસાવદરની ગાદી ઉપર ગયા.

સોરઠી ગીરની અંદર, ધ્રાફડ નદીને કિનારે, વેકરીયા અને વીસાવદર ગામની વચ્ચે “જમીને ધડો” નામે એાળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર, દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવાવાળાએ રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બહારવટીયાને સંતાવાની સુગમતા પડતી. ગીર તેની માનું પેટ ગણાય છે. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવાવાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. એણે માણસાઈ મેલી દીધી હતી.