મારૂં એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ ? મને પણ તું જેવો જ માન્યો ?”
એમ બોલતો માણસૂર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઉતર્યો. જાતાં જાતાં પોતાની સ્ત્રીને કહ્યું “કાઠીઆણી ! બેય છોકરાઓને એારડામાં પૂરી રાખજે !”
એટલું બોલીને માણસૂર કેસરી સિંહની જેમ કુદ્યો. જાળવ્ય ! માણસૂર જાળવ્ય ! એમ બાવાવાળાએ હાકલા કર્યા. પણ જાળવે શું ? તલવાર લઈને માણસૂરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજેપરજા ઉડી ગયા.
ત્યાં તો ખારડા ઉપરથી છાપરું ફાડીને માણસૂર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધીંગાણે શોભતો દીઠો. પોતાની પાસે તરવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર એ લાકડીના ઘા કરવા માંડ્યો.
“બાપુ !” આસવારો બોલ્યા, “ છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.”
“મારશો મા ! ઇ ટાબરને મારશો મા ! એને ઝાલી લ્યો. અને હવે હાલો. ઝટ ભાગી નીકળો ! લુંટ નથી કરવી. દાટ વાળી નાખ્યો.” એમ કહીને એણે ભુંડે મ્હોંયેં વીસાવદરનો કેડો લીધો.
માર્ગે એક નહેરૂં આવે છે. ત્યાં માણસૂરના ભાઈ જેઠસુર બસીઆને પોતાના અસવારે સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસૂરે બાવાવાળાને દીઠો.
“કોણ બાવા વાળો !”
“હા અાપા જેઠસૂર !”
પણ એ હોંકારામાં રામ નથી રહ્યા. બાવાવાળાના મ્હોં ઉપરથી, વિભૂતિ માત્ર ઉડી ગઇ છે. અને વળી બાવોવાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસૂરે અનુમાન કરી લીધું.