આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૫૧
[૧]બાવો, ડગલાં બે, (જો) ભારથમાં પાછાં ભરે,
'(તો તો) મલક માથે મે, વાઘાહ૨ વરસે નહિ.
[જો રણસંગ્રામમાં બાવાવાળો પાછા પગલાં ભરે તો તો હે વાઘાના પૌત્ર ! દુનિયામાં વરસાદ ન વરસે.]
“આ લે ત્યારે આ કાપડું !” એમ બોલીને બાવાવાળાએ કમાડ ઉઘાડ્યું. હાથમાં બખતર હતું તેનો છૂટો ઘા કર્યો અને એ ઘાયે સામા આદમીનો જાન લીધો. પછી કુદ્યો તરવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તરવાર એાસરીની આડીમાં પડી. પડતાં જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠુંઠી જ તરવાર રહી. અને બીજુ હથીયાર લેવા જાય ત્યાં તો, બોદા સીદીએ એને માથે ઝાટકાના મે વરસાવી ગૂડી નાખ્યો.
“બાવા ભાઈ !” ભેાજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો, “અન્યાયને ઈશ્વર નથી સાંખતો હો !”
સાંભળીને બાવાવાળાએ આંખો બીડી. અને બાવાની ફુઈ (માત્રાની મા) બહાર નીકળ્યાં :
- ↑ *મુંબાઈથી શ્રીયુત ગનનન વિ. જોશી આ ઘટના પરત્વે પોતાની નીચે મુજબની માહિતી માકલે છે, એને પાઠાન્તર તરીકે અત્રે આપવામાં
આવે છે:-
“બાવાવાળાની કાઠીઆણીને નાઠાબારીએથી વિદાય કરતાં બાવો પોતે
પણ ત્યાંથી નાસી છૂટવા તજવીજ કરેલી. પરંતુ ભોજા માંગાણીએ અગાઉથી
પેરવી કરીને નાઠાબારી આગળ એક ચારણને બેસાડેલો, તે એવા
હેતુથી કે બાવાની સ્ત્રીની, અથવા તો બાવાની પોતાની ઇચ્છાથી બાવો
નાઠાબારીનો મારગ લ્યે, તો ચારણ, તેના નામની બીરદાઈનો દુહો
લલકારીને એને ભોંઠપ આપીને પાછો ફેરવે : વળી નાઠાબારી આગળ
એકથી વધારે માણસ આવી શકે તેમ ન હતું : આ બન્ને બાબતોનો
પૂરેપૂરો વિચાર કરીને ભોજા માંગાણીએ ચારણની યોજના કરેલી-પોતાની
કાઠીઆણીને વિદાય કરતાં બાવો પણ નાઠાબારીએથી નાસવા તૈયાર
થયેલો: પણ ચારણનો દુહો સાંભળીને નાઠાબારી ઉપરથી તુર્ત જ પાછો
ફરીને, ઘર બારણેથી ભોજા માંગાણી સાથે ધીંગાણામાં ઉતર્યો અને મરાયો."