પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સોરઠી બહારવટીયા
 


"હાં ! નાખો ઘોડાં પાણીમાં !” એમ ત્રણે જણાએ પલકવારમાં તો ઘોડાંના ઉગટા મેવડ, ચોકડાં ને આગેવાળ જેરબંધ ઉતારી લઈ, ધબેાધબ તળાવમાં ઝંપલાવ્યું. મગરે તરે તેમ ઘોડીઓ વાંસજાળ પાણીમાં શેલારો દઈ વધવા માંડી. સડેડાટ અંધારામાં સામે કાંઠે ઉતર્યા એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી.

અસવારે બૂમ પાડી. “એ ચાંપાભાઈ ! હું રહી ગયો છું. હું બુડું છું. હવે રામ રામ છે !”

“અરે રહી તે કેમ જાશે ? રહેશું તો સહુ એક સામટા માર ઠેકડો ! આવી જા મારી ઘોડીને માથે.”

એમ કહી, ઘોડીને પાછી ફેરવી, એ ડુબતા કાઠીને કાંડે ઝાલી ચાંપરાજ વાળાએ એને પોતાની ઘોડી માથે બેલાડ્યે બેસારી દીધો, ને પછી એણે મૃત્યુલોકનાં વિમાનોને વ્હેતાં કર્યાં.

અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગેાતી વળ્યા. પણ બહારવટીયો તો બંદુકની ગોળી જેવો ! હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો નહિ. આખી રાત ઘોડીઓ બબ્બે અસવારને ઉપાડીને ચાલી નીકળી. પંચાળની ધરતી વીંધીને સેારઠમાં ઉતરી. અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં જેઠસુર વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ.

“ઓહોહો, ચાંપરાજ ભાઈ આવ્યા ! ચાંપરાજભાઈ આવ્યા !” એમ જેઠસૂર વાળાએ આદરમાન દઈ ચાંપરાજ વાળાને ઢોલીઆ પાથરી દીધા. અને ઘોડીએાને લીલાછમ બાજરાનું જોગાણ મેલાવ્યું.

“બાપુ !” માણસે આવીને કહ્યું “ત્રણમાંથી એક ઘેાડી જોગાણ ખાતી નથી. પંથ બહુ આકરો થયો લાગે છે.”

“અરે મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું ! ભલે ને લંકાનો પંથ કર્યો હોય ! કઈ ઘોડી તું કહે છે !”

“ધોયેલા (ધોળા) પગ વાળી.

“અરે, ધોયેલા પગ વાળી તો એકેય ઘોડી જ નથી.”