પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૭૧
 


“મારે પાપે જો મૂળુભાઈનો ગરાસ ખાલસા થશે તો તો ગઝબ થઈ જાશે. મારૂં મોત બગડશે. માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં.”

એવે વિચારે ચાંપરાજ વાળાએ કાઠીઆવાડ ભણી ઘોડાં હાંકી મેલ્યા, એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાંને પાદર તળાવને આરે ચાંપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઉભો છે, ત્યાં બાજુમાં જ એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવ્યો. ચાંપરાજની પાછળ ફરનારી પલ્ટનનો જ એ અસવાર છે: એની નજર તારોડીયાને અજવાળે ચાંપરાજના ચહેરા ઉપર પડી. એને બરાબર બારવટીયાની અણસાર ગઈ. ઝબ ! દઈને એણે ચાંપરાજ વાળાની ધોડીની લગામ ઝાલી.

“કેમ ભાઈ ! લગામ કેમ ઝાલછ ?”

“તુમ ચાંપરાજ વાલા !”

“અરે રામ રામ કર, અમે તો ચારણ છીએ.”

“નહિ, તુમ ચાંપરાજ વાલા !”

“અરે મેલી દે ભાઈ, નીકર ઠાલો માર ખાઈશ.”

“નહિ, તુમ ચાંપરાજ વાલા,”

“આલે ત્યારે, ચાંપરાજને ઝાલવાનું ઇનામ.” એટલું બોલી તરવારનું ઝાવું કરીને એણે અસવારનો હાથ કાપી નાખ્યો. ધોડીની લગામે એ અરધો હાથ લટકતો રહ્યો અને ચાંપરાજે ઘોડી હાંકી.

ત્યાં તો ચાંપરાજ વાળો ! ચાંપરાજ વાળો ! પકડો ! પકડો ! એવા રીડીયા થયા, પડખે જ છાવણી પડી હતી તેમાં બીંગલ ફુંકાણાં. મારો ! મારો ! મારો ! કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા. અને ચાંપરાજ વાળો મુંઝાયો. શામાટે મુંઝાયો ?

તળાવનો ઘેરાવો ઘણો મોટો છે : પાળે ચાલે તો પાછળ આવનારા અાંબી લઈ, ભુંડે મોતે મારે. અને પોતાને તો મૂળુ વાળાના હાથથી રજુ થાવું છે. હવે શું કરવું ?