પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
સોરઠી બહારવટીયા : ૨
 

એવા વિચાર કરતો ઘોડેસ્વાર ઘોડો ફેરવ્યા વગર, પાછા વળીને પોતાની ફુઇના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી : “ફુઈ, પરણું તો એક એને જ.”

રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શે સંખાય ? કુળનાં અભિમાન કરતી એ બોલી :

“અરે બાપ ! ઈ તો કાબા : ગોપીયુનાં વસ્તર લૂંટનારા ; "પણ ફુઈ ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડિવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા !”

“પણ વીરા ! એના તો માછલાં મારવાના ધંધા : કાળાં વહરાં એનાં રૂપ : અને તું તો કચ્છ ભુજનો ફટાયો : જદુવંશીનું ખોરડું : આપણને ઈ ખપે ?"

“ખપે તો ઈ એક જ ખપે ફુઈ ! જગતમાં બાકીની બધી નાની એટલી બેન્યું, ને મોટી એટલી માતાજીયું !”

આરંભડાના રાઠોડોને ઘેર રીસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હમૂસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં, 'વાઘેર' એની જાત કહેવાણી.

કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસ ગામ પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મ્હોંમાંથી નીકળી ગયું કે

“ઓહોહો ભા ! હી તે માણેક મોતી જેડો ! લાલમલાલ માણેક !”

તે દિવસથી 'માણેક' નામની અટક પડી. વાઘેરની તમામ કળીએામાં 'માણેક' શાખાની કળી ઉંચી લેખાણી.