પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૧૧
 

ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગ્રી દાબે છે, ત્યાં તો સુરૂરૂરૂ ! થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !

શું કારણ બન્યુ હતું ?

પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગએલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી. કેમકે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવો નક્કી થઈ ચૂકેલો હતો. એકાવને બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીએાએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલા ફરવા લાગ્યા. અગ્નિઝરતાં કોઈ કુંડાળાં સળગતા હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ ભાગવા માંડ્યું.

કાઠીએાએ જેયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાંને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે "એલા" જોજો હે, જો સંધીડા ઓલા બુટના કૂવામાં પેસી જશે ને, તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહિ ફાવે.”

ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયું. સાંભળતાંની વારે જ સંધીએાના કાન ચમક્યા. સાચેસાચ જાણે બુટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે ! એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવને જણાએ એક સુકાઈ ગએલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરીવાર બંદૂકો તોળી જામગ્રી ચાંપી. પણ કાન પી ગયેલી બંદૂક ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઉભા રહીને ભાલાં બરછી તેમજ તલવારોના ઘા કરી સંધીએાનો કચ્ચરધાણ વાળી નાખ્યો.

એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઉંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઉભો થયો.