પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સોરઠી બહારવટીયા:૨
 


“અરે ! આ શું કૌતક ? આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”

“જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ ! પણ આ ડીલને માથે નજર તો કર ! તારો એક ઘા યે ક્યાંય ફુટ્યો ભાળ છ ?”

બહારવટીયો થંભીને જોઈ રહ્યો.

“જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને તો ઝાઝા રંગ. પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુંજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવાવાનાં નક્કી થઈ ચૂક્યાં હતાં. ને આંહી જો ! મેં મોરલો નો'તો ખાધો. મને એક પણ જખમ નથી ફુટ્યો !”

“ક્યાં છે મુરાદશા ?”

“આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુંમાં પડી જા – જો બહારવટે જશ લેવો હોય તો !”

જેને મુખડે પરનારીસિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખોમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભ્રુકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયલું દિસે છે. એવો સૂરજમુખો બહારવટીયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે દસે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બેઠેલા બુઢ્ઢા મુંજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા.

એનાં પાળેલાં કબુતરો, ખીસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતા હતા, એક ડાઘો કૂતરો એના પગ ચાટતો હતો.

પોતાના બન્ને હાથ બહારવટીયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ ! બચ્ચા ! પીર ધનંતરશા તારાં રખવાળાં કરશે.”