પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીસદાસ ખુમાણ
૨૫
 

આવડું બધું કુડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉ છું કે કોઈ પરનારીની સામે અમથી અમથી યે મીટ નહિ માંડું.”

અને બીજી વાત તો એથી યે વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દિ ઓચીંતુ તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એક દિ' સાંજટાણે પનીઆરીયું આછા વીરડા કરીને પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઉટકાઈને ચકચકાટ કરતા હતા. આછરતા વીરડા, ઉટકેલાં બેડાં, મોતીની ઇંઢોણીયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યુ દીકરીયું, ને એ સહુને માથે જ્યોત પ્રગટાવતા સૂરજ મહારાજ : એ રૂડો દેખાવ આપો ય જોવા લાગ્યા. ઓલ્યા નીમનું ઓસાણ ચૂકાઈ ગયું. પોતાને ઘરેથી આઈ અને દીકરીઓ બધાં આવે નદીકાંઠે બેસીને કિલોળ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભાટકતાં'તાં.

ઘેરે આવીને જેગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખેામાં મરચાંના બુકાનું ભરણું ભર્યું - પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઉઠ્યા ત્યાં તો આંખો ફુલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે “અરે ! અરે ! જેગીદાસ ! આ શો કોપ થયો ?"

“કાંઈ નહિ બા ! ઈ તો આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું'તું, તે નીતારી નાખ્યું !”

આવો નીમાધારી પુરૂષ, લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે ભાઈ !

નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણઃ એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતા ખેડતા થોડોક વિસામો લેવા માટે