પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સોરઠી બહારવટીયા:૨
 

ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં [હાડપીંજર] પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રીબાઈને મરી ગઈ હતી.

“બાપ ભાણ !”

“હાં આપા !”

“અકેકાર થયો.”

“હોય આપા ! બારવટાં છે.”

“બહુ દિ' બારવટાં ખેડ્યાં, બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ધીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરૂને માતાઉથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વશ ક્યાંથી રે'શે ?"

“આપા ! ઈ બધુ સંભારે છે શીદ ?”

"સમસમ્યું રે'તું નથી. એટલે સંભારું છું - ઠીક સંભારૂં છું, આટલાં પાપનો પાટલો બાંધવા છતાં ય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યા. સાવરીયાઓ ગરાસ માંડી માંડીને ભાડાંની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ છ ગામનું ગળપણ વા'લું થયું, હવે આપણે ક્યાં સુધી રઝળશું ? શો ફાયદો કાઢશું ? ઝલાશું તો, કૂતરાને મોતે મરશું.”

“તયીં આપા ? કેમ કરશું ? તરવાર છોડશું?”

“હા.”

“તો હાલો ભાવનગર.”

“ના, હેમાળે."

“કાં ?"

“જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે."

"હેમાળો ગળવો ઠર્યો ?”