પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૭૧
 

નમતો દેખાયો. અને ત્રણે વાર જોગીદાસે સામું શિર નમાવ્યું. એક બોલ પણ બોલ્યા વિના : બેરખાનો એક પારો અટક્યા વિના : આંખનો પલકારો માર્યા વિના.

છાતી પીગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મુંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી.

એમાં આઈએ ચુપકીદી તોડી : આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ ગઈ. સહુનાં મ્હોં નિરખી નિરખીને એણે વેણ કાઢ્યાં :

“ખુમાણ ખોરડાના ભાઈયું ! હું શું બોલું ? તમે ખોરડું સળગાવી દીધું, તમે કટંબ-કુવાડા થયા. તમે પારકા કુવાડાના હાથા થઈને લીલુડા વનનો સોથ જ કાઢી નાખ્યો ! તમે જૂથ બાંધીને આ જતિપુરૂષને પડખે ઝુઝી ન શકયા માડી ! તમને ઘરનો છાંયો વા'લો થઈ પડ્યો ? ચીભડાંની ગાંસડી છુટી પડે તેમ આખુંય આલા પેટ નોખું નોખું થઈ ગયું ! અરે તમે પોતપોતાની પાંચ પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા ? આ દેવ-અવતારીને એકલે બહારવટે રઝળવા દીધો ? તમે કાંડે ઝાલીને જોગીદાસ શત્રુને હાથ દોરી દીધો ? પારકાએ આવીને ઠેઠ પેટમાં નોર પરોવી દીધા ત્યાં સુધી યે તમને કાળ ન ચડ્યો ?”

દડ ! દડ ! દડ ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યું :

“બીજું તો શું બોલું ? પણ કાઠીને વળી ગરાસ હોતા હશે ? કાઠીના હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ ! કાઠી વંશના જે કટંબ-કૂવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શે સાંખશે ? નહિ સાંખે.”

એટલું કહીને આઈ ઓરડે ચાલ્યાં ગયાં. આંહી દાયરો થંભી જ રહ્યો.