પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સોરઠી બહારવટીયા : ૩
 

“ભાઈઓ, હું માફી માગું છું. મેં જૂનાગઢનું નીમક ખાધું છે. ઇણાજ પણ અમારા વડવાને નવાબ સાહેબે જ ચાકરી બદલ દીધું છે. મારે ઇણાજ છોડવું એ મોટી વાત નથી. પણ મારા ઉપર આવું શીદ કર્યું ? મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવવો હતો. પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઉભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા માલેકની તોપને વધાવી લેવી જોઈએ. મારે તો મરવું જ માંડ્યું છે. માટે આપ પધારો, અને લશ્કરને ખુશીથી આંહી લઈ આવો. હવે વાર લગાડશો નહિ. સલામ આલેકુમ !”

છેલ્લું કહેણું સાંભળીને ફોજ ફરીવાર આગળ ચાલવા લાગી. માણેકવાડાને પોલીટીકલ એજન્ટ સ્કૉટ અને જુનાગઢ પોલીસ ઉપરી નાગર અંબારામ સુંદરજી છાંયા ધોળી માટીના એરીઆમાં બેઠા. ફોજને આજ્ઞા દીધી કે “ ઇણાજ ફરતા વીંટી વળો. પણ વગર જરૂરે કોઈ માણસને મારશો નહિ.”

ફોજે આવીને ઇણાજ ઘેર્યું. અલીમહમદ રોજો રહી, ઉપરા ઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર ભેટ બાંધી, તમંચો, બંદૂક, ઢાલ ને તલવાર બાજુમાં મૂકી લેબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો બેઠો કુરાનના દોર કરે છે, પાસે નીમકહલાલ બુઢ્ઢો હુસેનભાઈ અરધી મીંચેલી આંખો કુરાને શરીફ સાંભળે છે. અને એ જ ઓસરીના ઓરડામાં પૂરાઈને બીબી અમન પોતાનાં બાલબચ્ચાં સહિત નમાઝ પડે છે. મરવું મીઠું લાગે એવી ચુપકીદી મહેકી રહી છે.

અને એથી ઉલ્ટી ચાલ ચાલતા એના તેર જુવાન સગાઓએ પાદરમાં ઓડા લઈને સામે ઉભેલી ફોજ ઉપર ગોળીઓ ચલાવવાનો આદર કર્યો.