પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સોરઠી બહારવટીયા : ૩
 


“તમારે અટાણે રોવાનું નથી. આ લઈ લ્યો. લ્યો છો કે ગામમાંથી બામણોને બોલાવું ?” ટાઢોબોળ રહીને રામ બોલ્યો.

મલીરના પાલવ આડે આંસુડાંની ધારો છુપાવતી બેનોએ ભાઈની બ્હીકે છાનું છાનું રોતાં રોતાં બેય ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘરને આંગણે ત્રણે ભાંડરડાં બાળાપણની રમત રમ્યાં હતાં, તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આંટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે શેલ નદી વચ્ચે આવેલા બુઢ્ઢનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધી. પછી એણે ગાડું જોડ્યું. બેય બહેનોને ગાડે બેસારી બાબરીઆવાડમાં એને સાસરે મૂકી આવ્યો : માકબાઈને કાતરે પહોંચાડી અને લાખુબાઈને સોખડે. બેનોના સાસરીયાવાળા વરૂ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લી ગાંઠ છુટી ગઈ. ઘરમાં આવીને એકલો ઘોર આનંદથી બોલી ઉઠ્યો કે “આમાં કાંઈ મારૂં નથી. આ તો સમશાન છે. ”


"આ કાતરીયુંવાળા ભણ્યું કમણ છે ?”

ધારગણી ગામના કાઠી દેસાવાળાના કારજમાં લૌકિકે આવનાર કાઠીનો દાયરો મોટા ફળીઆમાં લીંબડાને છાંયે બેઠો છે. કસુંબા લેવાય છે. એ ભરદાયરાની વચ્ચે વચ્ચે બેઠેલા એક અડીખમ બુઢ્ઢા બાબરીઆએ, એક પડખે વીરાસન વાળીને વાંકોટડા થઈ અંબાઈ રંગને લૂગડે બેઠેલા બે જુવાનો સામે જોયું અને આંખે નેજવાં કરી (આંખો ઉપર હાથની છાજલી કરી) જાણ્યા છતાં અજાણ્યા થઈ અસલી ભાષામાં પૂછ્યું “આ કાતરીયુંવાળા ભણ્યું કમણ છે ? [આ કાતરા રાખનારા બહાદૂરો (!) કોણ છે ?”]