પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળો
૧૨૭
 

“આપા સાવઝ ધાંખડા ! ઇ બેમાં આ નાનેરા વાવડીવાળા રામભાઈ છે, ને મોટેરા અમરાપરના ગોલણવાળા છે.” કોઈકે ઓળખાણ કરાવી.

“ઠીક ! ભણ્યું કાતરીયું રૂડીયું લાગે છે હો ભાઇ ! જુવાનો શુરવીર કળાતા છો હો ભાઈ !”

દીપડીઆ ગામના બાબરીઆ સાવઝ ધોંખડાનાં આ મર્મ-વેણ સાંભળીને રામ ગોલણ એક બીજા સામે ખસીઆણે મોઢે જોઈ રહ્યા છે. પોતાની ઝીણી ઝીણી ઉગેલી દાઢીને 'કાતરી' કહેવાતી સાંભળીને બેય મનમાં સમસમે છે. રામની આંખમાં લાલપ તરવરવા લાગી. એણે એ બાબરીઆ સામે નજર નોંધીને પૂછ્યું :

“આપા, વાવડી તો હર વખત આવો છો છતાં મને ન ઓળખી શક્યા ?”

“ગઢપણ છે ને ભા ! એટલે ભૂલી ગયો.”

“કાંઈ વાંધો નહિ આપા ! કોક દિ અમારે વળી કાતરીયુંમાંથી કાતરા થાશે, નકર કાતરીયું તો ખરીયું જ ના ?”

દાયરો ઉઠ્યો. રામ ગોલણ વાવડી તરફ વળ્યા. રસ્તે રામ ફક્ત એટલું જ બોલ્યો કે “ગોલણભાઈ! હવે તો 'કાતરી'ના 'કાતરા' કરીને સાવઝ ધાંખડાને ફેર મળીએ ત્યારે જ આ મેણાંની કળતર ઉતરશે.”

“કાતરા થાવાની વેળા હાલી આવે છે રામભાઈ !” ગોલણે ધીરજ દીધી.

આ 'કાતરા–કાતરી'નો મર્મ એમ હતો કે અસલના કાળમાં દાઢીના કાતરા તે એજ જુવાન રખાવી શકતા કે જે અણવાણે પગે ન ચાલે, પગપાળા ગામતરૂં ન કરે, સાથે આટો ને આવરદા એટલે અફીણ વગેરે અને એકાદ માણસ રાખે, ઘેરે રોટલા આપે, દુશ્મનને કદિ પીઠ ન બતાવે, પોતાનું નામ અમર કરવા જેવી વીરતા ભજાવે. આ લક્ષણો વિનાની દાઢી તે 'કાતરી' કહેવાય.

આ રીતે રામને આપા સાવઝનો ટોણો ખટકવા લાગ્યો. મુંગો મુંગો એ ઘર ભેળો થયો.