પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સોરઠી બહારવટીયા : ૩
 


જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદળ પલટન રહે છે, ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઉગ્યે ચિઠ્ઠી વંચાણી અંદર આવી મતલબનું લખ્યું હતું કે “અમૂક અમૂક ગામો મેં રામવાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણીઆને નાહક કૂટશો નહિ. ગરાસીઆ ઉપર 'એક આની' વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો, નહિ તો રાજબાદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચુંથી નાખીશ. લી૦ રામવાળો”

ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટીયો તો રોજે રોજ ગામડાં ભાંગતો ગયા. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમજ પલટનનાં માતબર મથકો પણ બહારવટીયાથી બ્હી ગયાં. ગામના ગઢના દરવાજા વ્હેલા વ્હેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણા :

ધારી અમરેલી ધ્રુજે, ખાંભા થરથર થાય,
દરવાજા દેવાય, રોઢે દિ'એ રામડા !

[હે રામવાળા ! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બીડાઈ જાય છે. !]
×

ખોડાવડ ગામમાં એક છગન મારાજ નામે વટલેલ બ્રાહ્મણ હતો. બ્હેકી ગયો હતા. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથીઆર બાંધીને હરતો ફરતો. અને બોલતો કે “રામવાળો મારા શા હિસાબમાં ? આવે તો ફુંકી દઉ.”

એક રાતે છગન ખાટલો ઢાળી ફળીઆમાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચીંતો રામવાળો આવ્યો. એકલો આવીને ખાટલા ઉપર ઉભા રહ્યો. હાકલ કરી કે “ઉઠ એ વટલેલ ! માટી થા !”