પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫

મોટી સંખ્યા લઈને નાકું બાંધી ઉભા. પાંચ દિવસ સુધી નદીના પાણીની અંદર છુપાઈ રહ્યા પછી ખાવાને માટે સંગ્રામસિંહ પાંચ છ સાથીઓની સાથે બહાર નીકળ્યો. એમાંથી એક આદમી પિતાજીના હાથમાં પકડાયો. એની પાસેથી પત્તો મેળવીને પોલીસ આગળ વધી. સંગ્રામસિંહ એક ચમારની ઝૂંપડીમાં પેસી ગયો. ઝૂંપડીને પોલીસે આગ લગાવી, બહાદૂર રાજપુત બહાર નીકળ્યો, પણ પાણીમાં પડવાથી દારૂ નકામો થઈ ગયો હતો એટલે બંદુક ન વછુટી. તલવાર ખેંચવા જાય તો તલવાર મ્યાનમાંથી બહાર જ ન નીકળી. આ બાજુ પોલીસે ગોળીઓની ઝીંક બોલાવી. પાંચે સંગાથી પટકાયા. સંગ્રામસિંહે બંદૂક ઉંધી ઝાલીને લાકડી તરીકે વીંઝી. જોતજોતામાં ત્રણચાર સિપાઈને ઢાળી દીધા. પિતાજીના ઘોડાની ગરદન પર પણ એવી ચોટ લાગી કે ઘોડો પંદર કદમ પાછો હટી ગયો. પ્રથમ તો પિતાજીએ આ એકલા દુશ્મન પર ગોળી ચલાવવાની મના દીધી હતી. પણ આખરે પોતે ક્ષત્રીવટ ચુક્યા. ગોળીબાર'નો હુકમ દીધો. પચીસ ગોળીઓ ખાઈને સંગ્રામસિંહ પડ્યો. એને બાંધીને કાશીની ઈસ્પીતાલમાં લઈ આવ્યા. સીવીલ સર્જને જ્યારે એના શરીર પર ૨૫ જખ્મો જોઈને કહ્યું કે “કાં ! પકડાઈ ગયો ને !” ત્યારે એ વીર ક્ષત્રીએ જવાબ વાળ્યો કે “એમાં શી બહાદુરી કરી ! એક વાર મારા હાથમાં તલવાર આપો ને પછી મારી સામે ર૦ આદમી આવી જાય ! જોઇ લઉં મને કોણ પકડે છે !”

“સાભળીને સાહેબ તાજ્જુબ થયા. સંગ્રામસિંહને ફાંસી મળી. પણ હિંદુસ્તાની પેાલીસ અમલદારોને એ વીરના મૃત્યુથી બહુ જ દિલગીરી થઈ.ખાટલા પર સૂતેલા એ સંગ્રામસિહનો દેખાવ મને હજુ યાદ છે. મારા જીવન પર એની ઉંડી છાપ છે.”

દક્ષિણ પ્રાંતોમાં “દાત્યા–મોન્યા” નામના બે બહારવટીઆ થઈ ગયા તે એટલા બધા લોકપ્રિય હતા કે આજે પણ કોઈ બે જણા વચ્ચે ગાઢ મૈત્રી હોય તે તેઓને કહે છે કે “તમે તો દાત્યા–મોન્યા છો.” એ ઉપરાંત વર્તમાનકાળના રાજકીય ક્ષેત્રમાં પંજાબના બબ્બર અકાલીઓ, યુ. પી. કાકોરી કેસના રામપ્રસાદ બિસ્મીલ વગેરે, અને બંગાળના રાજશાહી જીલ્લાના યુવકો કે જે સરકારી લશ્કરને હાથે સામી છાતીએ લડતા લડતા મરાયા, તે સહુ 'બહારવટીઆ' નામ સાર્થક કરે છે. ભીલ બહારવટીઆ ટંડ્રાની કારકીર્દિ પણ મશહૂર છે. એને પકડવા માટે તે સરકારને ખાસ ટંડ્રા પોલીસની ફોજ રાખવી પડેલી. એવો જ રસિક અને રોમાંચક અહેવાલ પંજાબી કૂકાઓનો છે.